કાબિલેદાદ કામગીરી:પેથાપુરના મૂલચંદ પાર્કમાંથી ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીનું દાદી સાથે પોલીસે સુખદ મિલન કરાવ્યું

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની સી ટીમે બે કલાક સુધી આસપાસના વિસ્તારોમાં ફરીને પરિવારને શોધી કાઢ્યો
  • દાદી ઘર કામ કરતા હતા અને બાળકી રમતાં રમતાં ઘરેથી નીકળી ગઈ હતી

ગાંધીનગરના પેથાપુર મૂલચંદ પાર્ક સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષ અને પાંચ માસની બાળકી રમતાં રમતાં ઘરેથી નીકળી જતાં તેની દાદીનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ત્યારે પેથાપુર પોલીસની સી ટીમે બે કલાકની જહેમત ઉઠાવીને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી બાળકીના દાદીને શોધી કાઢી અજુગતી ઘટના ઘટતા અટકાવી દઈ સરાહનીય કામગીરી કરી હતી.

ગાંધીનગરમાં માસુમ બાળકીઓનાં અપહરણ હત્યા અને દુષ્કર્મની ધૃણાસ્પદ ઘટના સામે આવ્યા પછી રેન્જ આઈજી અભય ચુડાસમા દ્વારા દરેક પોલીસ મથકમાં સી ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં સી ટીમ દ્વારા શ્રમજીવી વિસ્તાર, સિનિયર સીટીઝનો સહિત નાના બાળકોને સતર્કતા રાખવાનું જરૃરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આજે પેથાપુર પોલીસની સી ટીમની સતર્કતાનાં કારણે ત્રણ વર્ષની બાળકીનું તેના દાદી સાથે સુખદ મિલન શકય બન્યું છે. પેથાપુરનાં મૂલચંદ પાર્ક સોસાયટી ખાતે રહેતાં માતા પિતા નિત્યક્રમ મુજબ આજે સવારે તેમની ત્રણ વર્ષની પાંચ માસની દીકરીને દાદી સાથે મૂકીને નોકરી પર ગયા હતા. જો કે ઘરનું કામકાજ કરવામાં દાદી વ્યસ્ત હતા એ દરમિયાન બાળકી રમતાં રમતાં ઘરેથી નીકળી ગઈ હતી.

થોડીવાર પછી દાદીને પૌત્રી ગાયબ થઈ ગઈ હોવાની જાણ થતાં તેમણે તેની શોધખોળ આદરી હતી. પરંતુ બાળકીનો કયાંય પત્તો લાગ્યો હતો. બીજી તરફ બાળકી ચાલતી ચાલતી પેથાપુર પોસ્ટ ઓફિસ સુધી પહોંચી ગઈ હતી. અને સતત રડયા કરતી હતી. આ દરમિયાન પેથાપુર પોલીસ મથકની સી ટીમ ની નજર રડતી બાળકી પર પડી હતી. જેને પોલીસ મથકે લઈ આવી નાસ્તો કરાવી તેનું નામ ઠામ પૂછ્યું હતું. પરંતુ બાળકી કોઈ જવાબ આપી શકી ન હતી.

આથી પીએસઆઇ એમ એસ રાણાનાં માર્ગદર્શન હેઠળ સી ટીમ બાળકીને લઈને આસપાસના વિસ્તારોના તેના પરિવારજનોને શોધવા માટે નીકળી હતી.અહીંના વિસ્તારોમાં બે કલાક સુધી ફર્યા પછી બાળકી મૂલચંદ પાર્કમાં રહેતાં દાદી લક્ષ્મીબેન પરમાર સુધી પહોંચી હતી. ત્યારે પૌત્રીને જોઈને દાદીમા નાં જીવમાં જીવ આવ્યો હતો. તેમણે પોલીસને કહેલું કે સવારથી બાળકી ગુમ થઈ ગઈ હતી. જેની સવારથી જ શોધખોળ કરતા હતા. આમ સી ટીમની સતર્કતાથી માસુમ બાળકીનું તેની દાદી સાથે સુખદ મિલન શક્ય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...