સરકારની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને સોમથી શુક્રવાર એમ અઠવાડિયામાં 5 દિવસ ફરજિયાત સચિવાલયમાં બેસવાની સૂચના આપી છે. ખુદ મુખ્યમંત્રી પણ આ દિવસ દરમિયાન સચિવાલયમાં પોતાના કાર્યાલયમાં હાજરી આપે છે. પરંતુ આ નિયમને કારણે મંત્રીઓને પ્રભારી જિલ્લો સાચવવામાં મુશ્કેલી પડી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
કેટલાક મંત્રીઓએ મહિનામાં એક વખત શનિ-રવિવાર દરમિયાન પ્રભારી જિલ્લાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના પ્રભારી હોવાથી તેમણે ગાંધીનગર વહીવટી તંત્ર અને સંગઠન સાથે બેઠકો યોજી હતી. જ્યારે મોટાભાગના મંત્રીઓનો મત વિસ્તાર અને પ્રભારી જિલ્લો પણ દૂર હોવાથી હજુ સુધી પ્રભારી જિલ્લાની મુલાકાત લઇ શક્યા નથી.
સરકારે તમામ મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી કરી છે. માત્ર 16 મંત્રીઓ હોવાથી દરેક મંત્રીના ભાગે બે કે તેથી વધુ જિલ્લા આવ્યા છે. પોતાના મત વિસ્તારની સાથે પ્રભારી જિલ્લામાં પણ મંત્રીઓએ નિયમિત મુલાકાત લેવી જરૂરી હોય છે. અનેક મુદ્દાઓમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક, સ્થાનિક સંગઠન સાથે બેઠકો યોજવામાં આવે છે. અગાઉ મંત્રીઓ સોમથી બુધવાર સુધી ત્રણ દિવસ સચિવાલયમાં પોતાના કાર્યાલયમાં હાજરી આપતા હતા અને બુધવારે સાંજે નીકળી જતા હતા. જેથી તેમની પાસે ચાર દિવસ રહેતા હોવાથી પોતાના મત વિસ્તાર ઉપરાંત પ્રભારી જિલ્લામાં પણ નિયમિત મુલાકાત લઇ શકતા હતા. નવી સરકાર બન્યા બાદ મોટાભાગના મંત્રીઓ પ્રભારી જિલ્લામાં જઇ શકતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.