વર્તમાન સમયમાં મનોરંજન માટે ઘણા બધા સાધનો છે અને હવે તો ટેકનોલોજી યુગમાં વ્યક્તિ પાસે સમય જ નથી! પરંતુ ક્યારેક એવો પણ સમય હતો જ્યારે માણસ કલાનો ઉપયોગ મનોરંજન માટે જ નહીં, પણ પોતાના આર્થિક વિકાશ માટે પણ કરતા હતા. આવી જ એક કલા એટલે નટ બજાણીયાનો ખેલ.
ગામના ચોરે આખુંય ગામ બાળકથી માંડી વયોવૃધ્ધ લોકો બેસીને આનંદથી આ ખેલ નિહાળે, અને કલાકારો માટે વાહવાહી સાથે તાળીઓનો વરસાદ થઈ જતો. આનાથી લોકોને મનોરંજન મળી રહેતું અને કલાકારોને રોજી પણ મળતી પણ આજે આ કલાકારો અને કલા માટે દયનીય સ્થિતિ ઊભી થઈ છે. ન તો કલા નિહાળનારાઓ છે ન તો કલાકરોને રોજી મળે છે.
ગાંધીનગર ખાતે સંસ્કૃતિ કુંજમાં યોજાઈ રહેલ વસંતોત્સવ આવી વિસરતી જતી કલા અને કલાકારોની વ્હારે આવી, આ કળાની ઓળખ માટે એક માધ્યમ બન્યું છે. એક એવું માધ્યમ જે લોકો અને કલાને જોડી રહ્યું છે. વસંતોત્સવમાં નટ બજાણીયાના ખેલ કરતા શંકરભાઈ સોલંકી કહે છે કે એક સમયમાં જે કલાનો એટલો રુતબો હતો કે તે કલા પર આફરીન થઈ રાજા રજવાડા ગામ- ગરાસ અને સોનામહોર આપી દેતા. એ જ કલા આજે કદરદાનોની તાળીઓ માટે પણ કણસી રહી છે.
આવા સમયે વસંતોત્સવ એ નટ બજાણીયાની કલા માટે એક આશાનું કિરણ બન્યો છે. ત્યારે વસંતોત્સવ લુપ્ત થતી કલા અને કલાકારોને મંચ પૂરું પાડી ગુજરાતના કલા વારસાના ગૌરવ સમી ધરોહર સાચવવાનું કામ કરી રહ્યો છે. નટ બજાણીયાના ખેલ ક્યાંક ક્યાંક હજી પણ જોવા મળે છે. જેમાં વપરાતો શબ્દ બજાણીયો એટલે સંગીતના તાલે અંગ કસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર કલાકાર. એવું માનવામાં આવે છે કે, પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી, તેમાં નટ બજાણીયાની વિદ્યા નવમી વિદ્યા ગણવામાં આવે છે.
આ કલાકારો હનુમાનજીને પોતાના આદ્યપુરુષ માને છે. વસંતોત્સવમાં નટકળાના કલાકારો પોતાના જીવના જોખમે નવા નવા ખેલ બતાવતા નજરે ચડે છે. આ કલાકારોને રંજ છે કે, આજે તેમની કલાની કદર કરવા વાળો વર્ગ ખૂબ જ સીમિત છે. સમગ્ર ગુજરાતમાં નટ બજાણીયાની કલાને સાચવવા માત્ર ચાર કે પાંચ મોટા ગ્રુપ છે. કારણ, હવે ટી.વી, મોબાઈલ અને બીજા પ્રસાર માધ્યમો આવ્યા ત્યારથી મનોરંજનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.જેના કારણે નટ બજાણીયાની કલા ઝાંખી પડતી ગઈ છે.
નવી પેઢી આ કારણે કલાને છોડી રહી છે. હવે બજાણીયાના ખેલ કરનારા કલાકારો પણ આંગળીના વેઢે ગણાય તેટલા જ રહ્યા છે. અને કદરદાનો તો એથીય ઓછા છે. માટે જ તેઓ કહે છે કે આ છેલ્લી પેઢી છે જે આ કલા, વારસાની સાચવણી માટે પ્રયત્નશીલ છે.વસંતોત્સવમાં લગભગ 23 ફૂટ ઊંચી દોરી બાંધી કલાકારો આ દોરી પર નવા નવા ખેલ કરે છે. આ ખેલમાં વપરાતી દોરીને ‘લંકાદોર’ કહેવામાં આવે છે. આનંદ અને દુઃખના મિશ્ર પ્રતિસાદથી આ કલાકારો જણાવે છે કે અમારી કલાને જીવંત રાખવા, લોકો વચ્ચે તેને પ્રસ્તુત કરવા માટે વસંતોત્સવ એ અમારા માટે આશીર્વાદરૂપ માધ્યમ બન્યું છે.
વસંતોત્સવમાં આ કલાકારો સતત ચાર વર્ષથી ભાગ લઈ રહયા છે, તેનું મુખ્ય કારણ છે કે તેઓ વડવાઓની તથા સમગ્ર ગુજરાત માટે એક સમયની શ્રેષ્ઠ કલા ને સજીવન રાખવા માંગે છે. આ કલા સાથે જોડાયેલા શંકરભાઈ જણાવે છે કે, સમય સાથે બધું બદલાતું રહે છે. આજના સમયમાં કલાની કદર નથી થતી એવું પણ નથી. કેટલોક વર્ગ એવો પણ છે જે આજે પણ અમારી કલાની કદર કરે છે. અને આવો જ વર્ગ આજે વસંતોત્સવ કે અન્ય મેળાઓ થકી અમારી કલાને બિરદાવતો પણ જોવા મળી રહ્યો છે. અમને ખુશી છે કે અમે ગુજરાતના આ કલા વારસાને સાચવી રહ્યા છીએ. જો કે આજે સ્થિતિ એવી છે કે નટ બજાણિયાની કલા જ અસ્તિત્વના દોરડાં પર લટકી રહી છે. આવી પરંપરાગત કલા સાવ વિસરાઈ જાય એ પહેલાં તેનું જતન થાય તે જરૂરી છે.... આ કલા વારસાની જાળવણી કરવી સૌની સામાજિક જવાબદારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.