વેટલેન્ડના વિકાસ માટે મંત્રીનું આહવાન:ગુજરાતના મહેમાન બનતા યાયાવર પક્ષીઓ આપણી આગવી ઓળખ, તેનું સાથે મળીને જતન કરીએ: પર્યાવરણ મંત્રી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે મહાત્મા મંદિર ખાતે વન-પર્યાવરણ મંત્રી મૂળુ બેરા અને રાજયમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો વેટલેન્ડ (જળપ્લાવિત ક્ષેત્ર) સેમિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાતો દ્વારા જળપ્લાવિત વિસ્તારોને લગતા વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જળપ્લાવિત વિસ્તારો ગુજરાત માટે મહત્વપૂર્ણ છે કારણ કે દર વર્ષે લાખો દેશી-વિદેશી યાયાવર પક્ષીઓ (માઈગ્રેટી બર્ડ) ગુજરાતના મહેમાન બને છે. આ સેમિનારમાં પર્યાવરણ મંત્રી મૂળુ બેરાના હસ્તે પ્રથમવાર ગુજરાતીમાં ‘બર્ડ્સ ઓફ નળ સરોવર’ બુક લોન્ચ કરાઈ હતી.

ભારતનો 23% જળપ્લાવિત વિસ્તાર ગુજરાતમાં
ભારતના કુલ જળપ્લાવિત વિસ્તારનો 23 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. જેના પરિણામે ગુજરાતની ચાર સાઈટને રામસર-વેટલેન્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લાખો દેશી-વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે ગુજરાતના મહેમાન બને છે અને તે ગુજરાતની આગવી ઓળખ છે.

  • ગુજરાતમાં ચાર રામસર સાઈટ
  • ખીજાડીયા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી
  • નળસરોવર બર્ડ સેન્ચ્યુરી
  • થોળ લેક વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી
  • વઢવાણ વેટલેન્ડ

પક્ષીઓના સંવર્ધન-સુરક્ષા માટે સંકલ્પ કરવા મંત્રીનો અનુરોધ
આ પ્રસંગે પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ કહ્યું હતું કે GEER ફાઉન્ડેશન (ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) વર્ષોથી જળચર પક્ષીઓ-વેટલેન્ડના વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે. આ સેમિનારમાં વેટલેન્ડના વિકાસ અને જળચર પક્ષીઓના સંવર્ધન અને સુરક્ષા માટે વધુ શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે કરી શકાય તેનો સંકલ્પ કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. પર્યાવરણ મંત્રીએ સેમિનારના સફળ આયોજન બદલ GEER ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.

નળ સરોવર ખાતે 3થી 6 જાન્યુઆરી સુધી વર્કશોપ
આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલથી 6 જાન્યુઆરી સુધી નળ સરોવર (રામસર સાઈટ) ખાતે મીઠા પાણીની જીવસૃષ્ટિ સંબંધિત વિષય પર તાલીમ શાળા પણ યોજાશે. આ ચાર દિવસીય વર્કશોપમાં દેશ-વિદેશના 266 જેટલા ડેલીગેટ્સ પોતાના વિચારો-અનુભવોનું આદાન-પ્રદાન કરશે, જે વેટલેન્ડ ક્ષેત્ર માટે વધુ ફળદાયી સાબિત થશે.

વેટલેન્ડના વિકાસ માટે મંત્રીનું આહવાન
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની આગેવાનીમાં વેટલેન્ડ સંરક્ષણ અને જતન માટેનું અભિયાન ગુજરાતમાં તેજ ગતિએ શરૂ થયું હતું. વેટલેન્ડના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ કરવા પણ મંત્રી મુકેશ પટેલે આહવાન કર્યું હતું.

વેટલેન્ડના સંરક્ષણ માટે શું થવું જોઈએ?
ગુજરાતમાં આવતા દેશ-વિદેશના પક્ષીઓ માટે તેમના આવાસોનું યોગ્ય જતન જરૂરી છે. આ પક્ષીઓને ખલેલ ન પહોંચે તેના માટે લોકભાગીદારીથી સંયુક્ત રીતે વધુ પ્રયાસો કરવા જરૂરી છે. પોતાના વિસ્તારમાં આવતા કુદરતી વેટલેન્ડની સુરક્ષા અને તેના લગતાં પ્રશ્નોનો વહીવટીતંત્ર-સ્થાનિકોની મદદથી ઉકેલવા તેમજ વેટલેન્ડ મિત્ર બનાવવા પણ જરૂરી છે.

વેટલેન્ડની સાઈટના વિકાસ માટે 1 કરોડની જોગવાઈ
ગુજરાત વાઈલ્ડ લાઈફના મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વેટલેન્ડની સાઈટના વિકાસ માટે અંદાજે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સમયાંતરે વધારો કરવામાં આવશે. જે ગુજરાત સરકારની વેટલેન્ડ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

‘OIKOS’ યુટ્યુબ ચેનલ લોન્ચિંગ
ગ્રીક શબ્દ ‘OIKOS’, જેનો અર્થ ઘર છે, કારણ કે ઇકોસિસ્ટમ એક પ્રકારનું ઘર છે, તે 'ઇકોસિસ્ટમ' શબ્દનું બીજું નામ છે. પર્યાવરણ મંત્રી મૂળુ બેરા તેમજ વન રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે GEER ફાઉન્ડેશનની કોફી ટેબલ બુક, ગુજરાતી ભાષામાં પ્રથમવાર તૈયાર કરેલી બુક ‘બર્ડ્સ ઓફ નળ સરોવર’, ‘ક્રેઇનર્સ ઓફ ગુજરાત’ તેમજ ‘સારસ ક્રેઇન’ ડૉક્યુમેન્ટરી ફિલ્મ અને ‘OIKOS’ યુટ્યુબ ચેનલ લોન્ચ કરવામાં આવી હતી. આ સિવાય મંત્રી મૂળુ બેરા દ્વારા ઈ-લાયબ્રેરી@ GEER Foundationનું લોન્ચિંગ કરાયું હતું.

પર્યાવરણ કાર્યકર્તાઓનું સન્માન
આ પ્રસંગે કચ્છમાં કલાઈમેન્ટ ચેન્જની અસરો નિવારવા માટે કાર્યકર્તા સ્થાનિકોને 9 લાખ સુધીની પ્રોત્સાહક રકમ-પ્રમાણપત્ર તેમજ ઇકો વોરિયર્સ-ઇકો ગાઈડ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સનું પ્રમાણપત્ર આપી મંત્રીએ સન્માન કર્યું હતું.

યુનિવર્સિટીઓના પ્રોફેસરો ઉપસ્થિત
આ પ્રસંગે ગીર ફાઉન્ડેશનની ગવર્નન્સ બોડીના સભ્ય ધનરાજ નથવાણી, અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના ડૉ.શૈલી, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપરાંત વિવિધ 9 યુનિવર્સિટીઓના સંબંધિત વિષય સંલગ્ન પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તેમજ વેટલેન્ડ ક્ષેત્રે કાર્યરત ગુજરાતની સંશોધન-સ્વૈચ્છિક સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

જળપ્લાવિત વિસ્તાર એટલે શું?
જળપ્લાવિત વિસ્તાર એવો વિસ્તાર છે જે પાણીથી પુરેપુરો ભરાયેલો હોય. આ વિસ્તારમાં પાણી કાયમી અથવા ઋતુગત (નિયમિત રીતે) ભરાયેલું રહે છે. અવારનવાર કે કાયમી રીતે પાણીથી ભરપૂર રહેતી જમીન ઑક્સિજનયુક્ત વાતાવરણનું સર્જન કરે છે અને ક્યારેય પાણીથી ખાલી થતી નથી.

રામસર સાઈટ એટલે શું?
રામસર સાઈટએ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી વેટલેન્ડ સાઈટ છે. આ વેટલેન્ડ્સ રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડની માર્ગદર્શિકા હેઠળ સુરક્ષિત હોય છે. રામસર કન્વેન્શન વેટલેન્ડ્સના સંરક્ષણ અને સમજદારી ભર્યા ઉપયોગ માટે ઈન્ટરગવર્મેન્ટલ સંધિ છે.

અન્ય સમાચારો પણ છે...