અમદાવાદ- ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ પ્રથમ તબક્કાનું કામ પૂરું થયું નથી. વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના વર્ષ 2020-21ના રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મેટ્રો રેલના પ્રથમ તબક્કાના કુલ 32 સ્ટેશન પૈકી માત્ર 6 સ્ટેશનના કામ પુરા થયા છે જ્યારે 28 સ્ટેશનના કામ વિવિધ કક્ષાએ ચાલી રહ્યા છે. પુરા થયેલા 6 સ્ટેશન એલિવેટેડ છે.
અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કામાં હજુ સુધી 6.5 કિલોમીટરનો વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો ટ્રેક કાર્યરત છે. સપ્ટેમ્બર 2020થી માર્ચ 2021 સુધીમાં મેટ્રો રેલને ભાડની 1.20 લાખની આવક જ્યારે મુસાફરી ભાડાની 4.42 લાખની આવક થઇ હતી. મેટ્રો કોર્પોરેશનમાં નિમણૂક પામેલા ચાર ડિરેક્ટરોના પગાર પેટે એક વર્ષમાં રૂ.1.77 કરોડ ચૂકવાયા હતા. ફુલ ટાઇમ ડિરેક્ટર પ્રશાંત રાવને 55.97 લાખ, સહદેવ સિંઘને 58.76 લાખ, બિરેન પરમારને 18.96 લાખ જ્યારે એમડી એસ.એસ.રાઠોરને 43.64 લાખ પગાર ચૂકવાયો છે.
IAS પંકજ જોશીને 46 હજાર મહેનતાણું
આઇએએસ અધિકારી હોદ્દાની રૂએ મેટ્રોમાં ડિરેક્ટર તરીકે નિમાય છે અને તેમને મહેનતાણું ચૂકવાય છે. મુખ્યમંત્રીના અધિક સચિવ પંકજ જોશીને બોર્ડ બેઠકમાં ભાગ લેવા માટે 46 હજાર, અશ્વિનીકુમારને 42 હજાર, અવંતિકાસિંઘને 10 હજાર અને મુકેશ પુરીને 20 હજાર ચૂકવાયા છે. આ મહેનતાણું 2020-21ના વર્ષ પેટે ચૂકવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.