માવઠાની આગાહી:રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંતની આગાહી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી
  • રાજ્યમાં આગામી 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે : અંબાલાલ પટેલ

રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે આગામી 18થી 20 જાન્યુઆરી દરમ્યાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પણ કમોસમી વરસાદનો સામનો રાજ્યના લોકોને કરવો પડ્યો હતો. આ સાથે જ વર્ષ 2022ની શરૂઆતથી તીવ્ર ઠંડી પડતાં જન જીવન ઠૂંઠવાઈ ગયું છે. ત્યારે રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. જે આવતીકાલે 13 જાન્યુઆરી સુધી રહેશે. ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે.

અંબાલાલ પટેલના દાવા પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે. રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. નોંધનીય છે કે, છેલ્લાં ચાર પાંચ દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. જેમાં શુક્રવારથી રાહત મળશે તેવું પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું.

ઉતરાયણના દિવસે પવનની ગતિ 10થી 12 કિલોમીટરની શક્યતા વ્યકત કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તરાયણનાં દિવસે સવારે 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ પવનની દિશા ઈશાન એટલે કે પૂર્વ ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. બપોર દરમ્યાન પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો આવશે. અને સાંજ પડતાં પવન ની ગતિ મંદ પડવાની સંભાવના વર્તાઈ રહી છે. જ્યારે રાત્રીના સમયે થોડીક હવા એટલેકે પતંગ ચગે એ પ્રકારની રહેશે.

જ્યારે દરિયા કિનારાનાં ભાગોમાં પવનની ગતિ 15 કિ.મી આસપાસ રહી શકે છે. તેમજ બપોર પછી પવનની દિશામાં બદલાવ આવી શકે છે. ઉતરાણ પૂર્વે એટલે કે આવતીકાલે 13 મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમજ ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો આવતો રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...