નિર્દેશ:મેંદરા, કરાઈ, ગલુદણના જમીન કૌભાંડ મામલેે પોલીસ ફરિયાદ નોંધવા નિર્દેશ!

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ 2 અરજી જ્યારે લેન્ડ ગ્રેબિંગમાં 1 અરજી થઈ હતી
  • કૌભાંડીઓને મદદ કરનાર સાક્ષીઓ, ખોટા દસ્તાવેજો ઊભા કરનારા સામે પણ ફરિયાદ નોંધાશે

ગાંધીનગરમાં મેદરા, કરાઈ તથા ગલુદણના કથિત જમીન કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધવા માટે નિર્દેશ કરાયો છે. ઉલ્લેખનિય છે કે 15 દિવસ પહેલાં જ ત્રણેય ગામના ખેડૂતોએ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જ હોબાળો કર્યો હતો. ભૂ માફિયાઓએ મેંદરા ગામની અંદાજીત 16 વીઘા, કરાઈની અંદાજીત 7 વીઘા અને ગલુદણ ગામની અંદાજીત 6 વીઘા જમીનોની નોંધ ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર પડાવી લીધી હોવાનો દાવો કર્યો હતો. જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યાં હતા.

બીજી તરફ ત્રણેય કેસમાંથી મેદરા અને ગલુદણના કિસ્સામાં જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ અરજી થઈ હતી. જ્યારે કરાઈના કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી થઈ હતી. ત્યારે ત્રણેય કેસની કલેક્ટર કચેરી તરફથી થયેલી પ્રાથમિક તપાસમાં ગુનો બનતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આ મુદ્દે પોલીસ વિભાગને લેટર લખીને આ કિસ્સાઓમાં ગુનો બનતો હોવાનો નિર્દેશ કરાયો છે. એક-બે આરોપીઓને ત્રણેય કેસમાં સંડોવણી હોવાની માહિતી મળી છે. કૌભાંડીઓને મદદ કરનાર સાક્ષીઓ, ખોટા દસ્તાવેજો ઉભા કરનાર સહિત તપાસમાં જે પણ લોકોના નામ ખૂલશે તેઓની સામે હવે આગામી સમયે પોલીસ ફરિયાદ નોંધાશે. જિલ્લામાં આ 3 ગામના જમીન કૌભાંડ મામલે ભારે ઉહાપોહ થયો હતો.

ત્રણેય કિસ્સામાં કેવી રીતે છેતરપિંડી થઈ?

  • મેંદરાના ખેડૂત જશુભાઈ પટેલની જમીનમાં ખાતેદારોમાં મૈયત થયેલા વ્યક્તિનું નામ કમી કરવા માટે ખાતેદારોએ સોંગદનામું કર્યું હતું. આ સોંગદનામાં સહી-ફોટો વાળા પેજનો ઉપયોગ કરીને ખોટી પાવર ઓફ એટર્ની ઉભી કરાઈ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ અને બાનાખત કરી લેવાયોનો ખેડૂતનો દાવો છે.
  • કરાઈ ગામના શાંતાબા નટુભાઈ ગોહીલની જમીનમાં વિધવા સહાયનું કહીંને તેમની અને સાક્ષી તરીકે દિકરાની સહી લઈને બારોબાર દસ્તાવેજ કરી દેવાયો હોવાનો દાવો છે.
  • ગલદુણ ગામની જમીન ટાઈટલ ક્લીયરની નોટિસ માટે ખેડૂતોએ સહીઓ કરી હતી જેના આધારે જમીન પચાવી પડાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...