તાજેતરમા કરાઇ અને મેદરા ગામની જમીનમા મૃત્યુ પામેલા વારસદારનુ નામ કમી કરવા આપેલા કામમા ભૂમાફિયાઓએ એન્ટ્રી કરાવી લીધી હતી. ખેડૂતોને આ બાબતની ખબર પડયા પછી લેન્ડગ્રેબ્રિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારે આરોપી દ્વારા ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામા આવી હતી. પરંતુ કોર્ટે જામીન અરજીને નામંજૂર કરી હતી.
મળતી માહિતી મુજબ જિલ્લાના મેંદરાના જશુભાઈ પટેલે (72 વર્ષ) આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તે મુજબ ગામમાં તેમની બે સરવે નંબરની જમીન આવેલી છે. જેમા પાંચ વિઘા જમીન જાન્યુઆરી-2022માં વેચાણ માટે મુકી હતી, ફરિયાદીનો દીકરો બાપુનગર હીરા ઘસવા જતો હોવાથી નિલેશ કણઝારીયા અને કુલદીપ ચાવડાને ઓળખતો હતો.
જમીન વેચવા અંગે વાત કરતાં બંને જાન્યુઆરીમાં દશરથ રાજગોર અને જયેશ પ્રજાપતિને લઈને આવ્યા હતા. બંનેએ પોતાની ઓળખાણ બિલ્ડર તરીકે આપી હતી. રેવન્યૂ રેકર્ડમાં મૈયત થયેલા સભ્યનું નામ કઢાવવા માટે સોંગધનામા પર પરિવારના સભ્યોએ સહીઓ કરી આપી હતી. અવારનવાર સંપર્ક કરતાં તેઓ જમીનનું ટાઈટલ સર્ટી ન આવ્યું હોવાના જવાબ આપતા હતા.
ત્યારબાદ આ કેસમાં શંકાના આધારે તેઓએ ઓનલાઈન ચેક કરતાં જમીનમાં કાચી નોંધ પડી હતી. જેમાં વેચણ રાખનાર તરીકે અને આપનાર તરીકે બંનેમાં લાલસિંહ રાઠોડનું નામ હતું. જેમાં ખોટા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જેમાં પંકજ અને વિતેશ સાક્ષી તરીકે સહી કરી હતી. જેથી ખોટા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ ઉભા કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર કુલ સાત આરોપીઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હવે આરોપી દશરથ ભીખાભાઇ રાજગોર દ્વારા આ કેસમા આગોતરા જામીન અરજી કરવામા આવી હતી. જેમા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરી જામીન અરજી ના મંજૂર કરી હતી. ઉલ્લેખનિય છેકે, કરાઈના શાંતાબેન નટવરજી ગોહીલની જમીન પણ ઘસી નાખવામા આવતા ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.