પોલીસ તપાસ શરૂ:મેંદરા કથિત જમીન કૌભાંડ; પાવર ઓફ એટર્ની ન કરી હોવાનો ખુલાસો!

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેંદરા ખાતે ખેડૂતો દ્વારા અગાઉ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. - Divya Bhaskar
મેંદરા ખાતે ખેડૂતો દ્વારા અગાઉ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
  • કલેક્ટર દ્વારા ખેડૂતો, સબ રજિસ્ટ્રાર, નોટરીને રૂબરૂ બાલોવાયા હતા

ગાંધીનગર તાલુકાના મેંદરા ગામની 16 વીઘા જમીનના કથિત જમીન કૌભાંડ મુદ્દે કલેક્ટર દ્વારા ગુરૂવારે ખેડૂતોને બોલાવાયા હતા. કલેક્ટર દ્વારા ખેડૂતો, સબ રજિસ્ટ્રાર અને જેઓના નામે નોટરી થઈ છે તે નોટરીને પણ બોલાવાયા હતા. જેમાં નોટરી દ્વારા પોતે આવા કોઈપણ પ્રકારના પાવર ઓફ એટર્ની પર સહી કરી ન હોવાનું કહ્યું હતું.

નોટરી દ્વારા પોતાના ચોપડા સહિતનો ડોક્યુમેન્ટ પણ બતાવાયા હતા. જેને પગલે સમગ્ર કેસમાં મોટું કૌભાડ બહાર આવે તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનિય છે કે મેંદરા, કરાઈ, ગલુદણ ગામે ત્રણ ખેડૂતોની જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરીને નોંધ કરી દેવાઈ હોવાની ફરિયાદો સાથે 27 એપ્રિલે 25થી વધુ લોકોએ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જ હોબાળો કર્યો હતો.

ખેડૂતોના દાવા મુજબ ભૂ માફિયાઓએ મેંદરા ગામની 16 વીઘા, કરાઈની 7 વીઘા અને ગલુદણ ગામની 6 વીઘા જમીનોની નોંધ ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર પડાવી દીધી છે. જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યાં હતા. ત્યારે સમગ્ર મુદ્દે મેંદરાની 16 વીઘા જમીનના દાવા અંગે ગુરૂવારે ખેડૂતો, સબ રજિસ્ટ્રાર અને નોટરી સહિતના લોકોને બોલાવ્યા હતા.

જેમાં નોટરી દ્વારા આવા કોઈપણ પ્રકારના પાવર ઓફ એડર્ની પર સહી કરી હોવાનો ખુલાસો કર્યો હતો. જે અંગે નોટરી દ્વારા પોતાનો ચોપડા સહિતના ડોક્યુમેન્ટસ પણ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. જેને પગલે મેંદરાના કિસ્સામાં પ્રાથમિક દ્રષ્ટીએ કઈક ખોટું થયાનું લાગતું હોવાનું કલેક્ટર દ્વારા પણ સ્વીકારયું હતું. આ અંગે ખેડૂત દ્વારા જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ ફરિયાદ કરેલી છે.

જેની તપાસનો રિપોર્ટ આગામી બુધવાર સુધીમાં આવી જાય તેવી શક્યતા છે. જે બાદ કેસમાં કલેક્ટર દ્વારા નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સમગ્ર મુદ્દે નોટરી દ્વારા ડભોડા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરાઈ છે. જેમાં કોઈ દ્વારા પોતાના નામ અને ખોટી સહીનો ખોટો ઉપયોગ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોવાની રજૂઆત કરી હોવાનું કહેવાય છે. જેને પગલે ડભોડા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...