પાટનગરમાં કડાકા ભડાકા સાથે મેઘમહેર:ગાંધીનગરમાં વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રી, ધોધમાર એક ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • અનેક જગ્યાએ વિઝિબીલીટી ઘટી જવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

રાજયના પાટનગર ગાંધીનગરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે બેટિંગ શરૂ કરતાં સવારે છ થી 8 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી એકધારો વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો વિઝિબીલીટી પણ ઘટી જવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજ્યમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી મન મૂકીને રાજયને વરસાદથી તરબોળ કરી નાખ્યું છે. ત્યારે રાજયનાં અન્ય શહેરોની સરખામણીમાં ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ રિસામણાં કર્યા હોય એમ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જોકે, આજે વહેલી સવારથી જ મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે ગાંધીનગરમાં પધરામણી કરતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

એક ઇંચ વરસાદમાં રોડ પણ ધોવાઈ ગયા
આજે વહેલી સવારથી ગાંધીનગર, માણસા કલોલ અને દહેગામમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો હવામાન વિભાગ દ્વારા સવારનાં 6 થી 8 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં માત્ર એક ઈંચ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઈ જવા ઉપરાંત રોડ પણ ધોવાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. વીઝીબીલીટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી
અનેક જગ્યાએ ભૂવા પણ પડ્યાં
બીજી તરફ કલોલમાં પણ વહેલી સવારથી વરસાદ વરસતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યારે વીઝીબીલીટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે, પોણા અગિયાર વાગ્યા સુધીમાં વરસાદની ગતિ ઘટી ગઈ છે. તો અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. એમાંય શહેરમાં પાણીની પાઈપ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી તેમજ યોગ્ય માટીનું પુરાણ નહીં કરવાના કારણે ઘણી જગ્યાએ ભૂવા પણ પડ્યા છે. ત્યારે તંત્રએ વધુ વરસાદ વરસે એ પહેલાં યોગ્ય પગલાં ભરવાની તાતી જરૃરીયાત ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...