તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મ જયંતિ:ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી સાહિત્ય ભવનનું નિર્માણ કરવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીનાં હસ્તે ભવનનું ઈ-ખાતમૂર્હત કરવામાં આવ્યું
  • મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને પ્રેરણા આપે તે માટે આખું વર્ષ 'કસુંબલ રંગે'ના અનેક કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો. જે પ્રસંગે ગાંધીનગરમાં નિર્માણ પામનાર ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન 'મેઘાણી સાહિત્ય ભવન'નું મુખ્યમંત્રીના હસ્તે ઈ ખાતમૂર્હત પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેઘાણી જીવન-કવનની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક-મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.

આઝાદી મેળવવા જે શહીદોએ જે બલિદાન આપ્યા તેમના માં ભારતીને વિશ્વ ગુરુ બનાવવાના સપના સાકાર થાય, આવા વીરોની છલોછલ રાષ્ટ્રભક્તિ અને મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ કસુંબલ રંગેના અનેક કાર્યક્રમો યોજાશે.

આપણું ગુજરાત ગાંધી-સરદાર, નર્મદ, મેઘાણી, ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી જેવા પ્રખર વ્યક્તિત્વનું ગુજરાત છે. આઝાદી સમયથી લઈને આજ સુધી ગુજરાતે હર હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે. તેને આપણી યુવા પેઢી, આવનારી પેઢી પણ જાળવે અને ગુજરાત વિશ્વ નું રોલ મોડેલ બને તેવી આપણી નેમ છે.

તેમણે રાજ્યના ગ્રંથાલયો માટે મેઘાણી સાહિત્ય સંપુટ અર્પણ અને સાહિત્ય ગૌરવ પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. રાષ્ટ્રીય શાયર મેઘાણીની 125મી જન્મ જયંતીની આ ઉજવણી અન્વયે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મેઘાણીની રચનાઓ ની લોક કલાકારો દ્વારા થયેલી શોર્યભરી પ્રસ્તુતિ પણ માણી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં નિર્માણ થનારા ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ઇ- ખાત મુહુર્ત કરવા સાથે મેઘાણી જીવન-કવન ની વેબસાઈટ લોન્ચ કરી હતી.

સાહિત્ય અકાદમી અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા એ સૌને આવકારી સમગ્ર આયોજનની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ, મેઘાણી 125મી જન્મ જ્યંતી અને ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું શિલાન્યાસ જેવી ઐતિહાસિક ઘટનાનું ત્રિવેણી સંગમ થયું છે. સાહિત્ય અકાદમી દ્વારા ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે રહીને દેશ-વિદેશના સાહિત્યકારો સાથે સંવાદ યોજવામાં આવ્યો છે. તેમજ 50 સ્થળો ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં મધુરાય (મધુસૂદન ઠાકર), હિન્દી સાહિત્ય અકાદમીમાં ઉજમભાઇ પટેલ અને ડૉ. અંજના સંધીર, મનોહર નિહાલાણી અને કચ્છી સાહિત્ય અકાદમીમાં કાનજી મહેશ્વરી રીખિયો અને રમેશ ભટ્ટ રશ્મિને એનાયત કરવામાં આવ્યો છે.

યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રશાંત પટેલ અને રિન્કુ રાઠોડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં રાજવી ઓઝા અને સિંધી સાહિત્ય અકાદમીમાં નયના સુરેશકુમાર રાવલાણી તથા નિશા ચાવલાને એનાયત કરવામાં આવ્યો છે. તેમજ વેદ- શાસ્ત્ર પંડિત સન્માન સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં ગોવિંદભાઇ એન ત્રિવેદી (ઋગ્વેદ) અને જયદેવ અરુણોદય જાની (શુક્લ યજર્વેદ) માટે અર્પણ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સ્વ. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ મેઘાણી, રમતગમત - યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી. સોમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર પી.આર. જોષી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીર સહિત અનેક ગુજરાતના લોકસાહિત્યકારો, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

.

અન્ય સમાચારો પણ છે...