કેપિટલ રેલવે સ્ટેશન પાસે અંડરપાસ અને રેલવે પરની હોટેલના બ્રીજની કામગીરીમાં નડતરરૂપ દબાણોનો મુદ્દો ફરી અટવાયો છે. છેલ્લા એક વર્ષથી લટકેલા આ મુદ્દામાં શનિવારે સવારે કલેક્ટર, કોર્પોરેશન અને માર્ગ મકાન વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે 500 જેટલા ઝૂપડા પર બુલડોઝર ફેરવવાની તૈયારી કરી લીધી હતી. જોકે હવે આ મુદ્દે કોર્ટનો ઓર્ડર ન આવે ત્યાં સુધી કામગીરી સ્થગિત કરી દેવાઈ છે.
દબાણોને પગલે છેલ્લા એક વર્ષથી કેપિટલ હોટેલને અનુલક્ષીને હાથ ધરાયેલા અંડરપાસ અને બ્રીજની કામગીરી પર છેલ્લા એક વર્ષથી બ્રેક વાગેલી છે. ખથી ક રોડને જોડતા અંડરપાસમાં એક તરફની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજી તરફ દબાણોને પગલે કામગીરી અટકી પડી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પર બનેલી હોટેલને રસ્તા સાથે જોડતા બ્રીજનું કામ પણ પૂર્ણતાના આરે છે પરંતુ એક છેડાની કામગીરીમાં દબાણો આડે આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ વાઈબ્રન્ટ સમિટ પહેલાં જાન્યુઆરીમાં તંત્ર દ્વારા ઝુંપડાવાસીઓને નોટિસ આપી સાત દિવસમાં દૂર કરવા જણાવી દેવાયું હતું.
પરંતુ હાઈકોર્ટમાં તેને પડકારતા વચગાળાનો મનાઈ હુકમ કરીને ઝૂંપડાઓ નહીં હટાવવા આદેશ આપ્યો હતો. ત્યારે ફરીવાર તંત્ર વાઈબ્રન્ટ પહેલાં દબાણો દૂર કરીને બ્રીજ અને અંડરપાસની કામગીરી પૂર્ણ કરવા માટે ઉતાવળું બન્યું હતું. પરંતુ રહેવાસીઓએ આ મુદ્દે શુક્રવારે સાંજે જ હાઈકોર્ટનું ધ્યાન દોરી દેતાં કોર્ટે હુકમ ન થાય ત્યાં સુધી ડિમોલિશન નહીં કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી
મેગા ડિમોલિશનને પગલે કલેક્ટર કચેરી, કોર્પોરેશન, પાટનગર યોજના વિભાગ સહિતના અધિકારીઓ તૈયાર થઈ ગયા હતા. જેમાં 1 ડીવાયએસપી, 6 પીઆઈ, 17 પીએસઆઈ અને 150 જેટલા જવાનોના બંદોબસ્તની પણ તૈયારી કરી લેવાઈ હતી. બીજી તરફ આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડને પણ સ્ટેન્ડ ટુ રહેવા કહેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.