વહીવટી તંત્રની બેઠક:અંબાજી જતા પદયાત્રીઓને ગાંધીનગરના માર્ગો પર અગવડ ના પડે તે માટે સુચારુ આયોજન અંગે બેઠક, 13 સ્થળો ખાતે આરોગ્ય કેમ્પો ઉભા કરાયા

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ- વહેલી સવારે ચાલતાં પદયાત્રીઓને રીફલેકશન પટ્ટી લગાવવાની જિલ્લા કલેક્ટરની અપીલ
  • પદયાત્રીઓને રસ્તાની ડાભી બાજુ ચાલવા અને સેવા કેન્દ્રો આ જ સાઇડ પર ઉભા કરવાનું સૂચન

જગત જનની માં અંબાના પગપાળા દર્શન કરવા જતા પદયાત્રીઓને કોઇ તકલીફ ન પડે, માર્ગ અકસ્માતની ઘટના ન બને અને સ્વચ્છતા જળવાઇ રહે તેવા ઉમદા આશયથી આજરોજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની બેઠક કલેક્ટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને મળી હતી.

અંબાજી જવાના મુખ્ય છ રૂટ નક્કી કરવામાં આવ્યાં
આ બેઠકમાં જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં અંબાજી જવાના મુખ્ય છ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ રુટ પર નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. નોડલ અધિકારીઓની ટીમ રાઉન્ડ ઘ કલોક પોતાની ફરજ બજાવશે. તમામ સેવા કેન્દ્રોની મુલાકાત લઇ તેના આયોજકોને સ્વચ્છતા રાખવાની વાત પર ખાસ ભાર મુકશે.

ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવા તાકીદ
કલેક્ટરે માર્ગો પર આવતાં વાહનોના કારણે કોઇ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે પદયાત્રીઓ રોડની ડાભી બાજુ ચાલે તેવો આગ્રહ રાખવો અને તેમને સતત જાગૃત કરતા રહેવા માટેનું આયોજન કરવા પણ ભારપુર્વક જણાવ્યું હતું. તેમજ પદયાત્રીઓ જે દિશામાં ચાલે છે, તે બાજુ જ સેવા કેન્દ્રો ઉભા કરવા પણ જણાવ્યું હતું. જેથી માર્ગ ઓળગવાની જરૂરિયાત પદયાત્રીઓને થાય નહી. તેની સાથે ગાંધીનગર શહેર સહિત માર્ગમાં આવતાં મોટા સર્કલો ખાતે જયાં ચોક્કસ સમયે વાહનોની અવરજવર વઘુ હોય છે, તે સમયે દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.
પદયાત્રીઓ માટે શૌચાલય વાનની સુવિધા ઉભી કરાશે
વધુમાં કલેક્ટર આર્યએ સેવા કેન્દ્રોની આસપાસ સ્વચ્છતા રહે અને પદયાત્રીઓ માર્ગમાં ગમે ત્યાં પાણીની બોટલ કે અન્ય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન નાખે તેની ખાસ તકેદારી રાખવાની વાત પર પણ ભાર મુકયો હતો. પદયાત્રીઓ માટે શૌચાલય વાનની સુવિઘા કરવા જણાવ્યું હતું. તેમજ હાઇવે માર્ગની બાજુના સર્વિસ રોડ ચાલી શકાય તેવા છે કે નહી, તેની ખાત્રી કરવા માટે પણ સુચના આપી હતી. વરસાદી માહોલમાં આ રોડ પર પાણી ન ભરાય અને યોગ્ય નિકાલ થાય તેની વ્યવસ્થા જોવા પણ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. મોટા ભાગના પદયાત્રીઓ વહેલી સવારે કે રાત્રિ દરમિયાન ચાલવાનું પસંદ કરતા હોય છે.
પદયાત્રીઓને રીફલેકશન પટ્ટી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા
જેથી સેવા કેન્દ્રોના સંચાલકો સાથે સંપર્ક કરી રાત્રિ દરમિયાન ચાલતાં પદયાત્રીઓને રીફલેકશન પટ્ટી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચન કર્યું હતું. આ પટ્ટી તેઓ પોતાના કપડા, લાકડી કે અન્ય ચીજ વસ્તુઓ કે જે સરળતાથી વાહન ચાલકની નજરે પડે ત્યાં લાગે તેનો આગ્રહ પણ રાખવા જણાવ્યું હતું. પદયાત્રીઓને સતત માર્ગ પર ડાભી બાજુ ચાલે તે માટે જરૂરી સૂચના આપતાં વાહનો કે બેનર લગાવવા પણ જણાવ્યું હતું.
​​​​​​​આરોગ્યની મોબાઇલ ટીમ સતત કાર્યરત રહેશે
ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ ઉવારસદ, રણાસણ, મોટા ચિલોડા, ગિયોડ, જેઠીપુરા, વાસણિયા મહાદેવ, બાલવા ચોકડી, ધેંધુ ચોકડી, બોરૂ, ઘમાસણા અને વિહાર ખાતે પદયાત્રીઓની સેવામાં ખાસ આરોગ્ય કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. તેની સાથે નાના ચિલોડા- ચંદ્વાલા અને કોબા થી ધેંધુ ચોકડી સુધી આરોગ્યની મોબાઇલ ટીમ સતત કાર્યરત રહેશે. તેની સાથે આયુર્વેદ શાખા દ્વારા મોટા ચિલોડા, વાસણિયા મહાદેવ, બોરૂ અને ઉવારસદ ખાતે આયુર્વેદ કેમ્પ ઉભા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...