શહેર કોંગ્રેસના 10 બાગી કોર્પોરેટરોએ અત્યારે તો શાંત થઈને બેસી ગયા છે, પણ શાંત પાણી ઊંડાં પણ હોઈ છે અને ભેદી પણ હોય છે તે રીતે સમય આવે ‘વાર’કરવાની નીતિ અપનાવી છે.
આ નીતિના ભાગરૂપે પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલ અને મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માની હાજરીમાં 10 કોર્પોરેટરો ગાંધીનગર પાસેના એક ફાર્મ હાઉસમાં મળ્યા હતા. કોંગ્રેસે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણની નિયુક્તિ કરાતા વિરોધ કરનારા 10 કોર્પોરેટરો સમસમી ગયા હતા. તેમણે રાજીનામાની પણ ચીમકી આપી દીધી હતી. તેમણે પક્ષના નિર્ણયનો વિરોધ કર્યા પછી તેમાં કોઈ ફેરફાર થશે નહીં તેવું જણાતા અત્યારે તો સ્થિતિ સ્વીકારી લીધી છે. આ માટે તેઓ બુધવારે ગાંધીનગર પાસેના એક ફાર્મ હાઉસમાં મળ્યા હતા. જ્યાં તેમણે સિંહ શિકાર કરતા પહેલા બે ડગલાં પાછળ ચાલે તેવો વ્યૂહ અપનાવીને સ્થિતિને તાબે થવાનું નક્કી કર્યું હોવાનું બેઠકમાં હાજર એક સૂત્રે કહ્યું હતું.
એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે,વિરોધ પક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણને સ્વીકારવાની તૈયારી કરી લીધી છે, પણ સામે ચોક્કસ સમયની રાહ જોવાઈ રહી છે.
‘સમય આવ્યે અસ્તિત્વનાં દર્શન કરાવીશું’
વિરોધ કરનારા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ સોશિયલ મીડિયામાં મુકેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘સમય આવે કરાવી દઈશું અસ્તિત્વનાં દર્શન, ઘણા ખાબોચિયાં ખુરશીનો પાવર મળતાં તેઓ ખુદને સમંદર સમજી બેઠા છે, સમજાય તેને વંદન.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.