કોણ બનશે મેયર?:ગાંધીનગર મનપાની 21 તારીખે મળનારી સામાન્ય સભામાં મેયરની વરણી કરવામા આવશે, હિતેષ મકવાણા પ્રબળ દાવેદાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયર પદ માટે મજબૂત દાવેદાર ગણાતા હિતેશ પૂનમભાઈ મકવાણા સામે પક્ષમાં વિરોધનો વંટોળ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં 41 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી ઈતિહાસ રચી દેનાર ભાજપમાં નવા મેયરની વરણી માથાનો દુઃખાવો બની ગઈ છે. આગામી 21 મી ઓક્ટોબરે મળનાર સામાન્ય સભામાં ગાંધીનગરને નવા મેયર મળી જવાના છે. જે માટેનો એજન્ડા બે દિવસમાં જાહેર કરીને નવા મેયર સહિતના અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિનાં ઉમેદવારને મેયર પદ મળવાનું હોવાથી ગાંધીનગર મેયર ની રેસમાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા મજબૂત દાવેદાર છે. પરંતુ આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતિનાં ભાગરૂપે હિતેશ મકવાણા મેયર નાં બને તે માટે એક લોબી સક્રિય થઈ ચૂકી છે. જો કે ગાંધીનગર મેયર પદ ભાજપને કહ્યાગરા રબર સ્ટેમ્પ પ્રમાણેનાં ઉમેદવારને આપવામાં આવે તેવી હિલચાલ અંદરખાને કરવામાં આવી રહી છે.

નિયમ મુજબ કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવી હોય તો ચુંટાયેલા કાઉન્સિલરોને એક અઠવાડિયા પહેલા જાણ કરવાની હોય છે. જો કે નવરાત્રિનો માહોલ હોવાથી સામાન્ય સભાનું આયોજન કરાયું ન હતું. પરંતુ હવે નવરાત્રિ પૂરી થતાં જ આવતીકાલે એજન્ડા જાહેર કરી દેવાશે. અને 21 મી ઓક્ટોબરે સામાન્ય સભા પણ યોજવામાં આવશે.

આ વખતે પ્રથમ અઢી વર્ષની મુદત અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે. શાસક પક્ષમાંથી એસસી બેઠક પરથી પાંચ ઉમેદવાર ચૂંટાયેલા છે, જેમાં બે પુરુષ અને ત્રણ મહિલા છે. અઢી વર્ષની બીજી ટર્મમાં મહિલા માટે મેયર પદ અનામત છે. આથી પ્રથમ અઢી વર્ષ માટે ભાજપમાંથી ચૂંટાયેલા અનુસૂચિત જાતિના પાંચ સભ્યોમાંથી કોઈની પસંદગી થવાનું નિશ્ચિત છે.

મેયર પદની રેસમાં વોર્ડ-8માંથી ચૂંટાયેલા હિતેષ મકવાણા સૌથી આગળ ચાલી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાના દીકરા હિતેષભાઈએ વોર્ડ-8માંથી ભાજપની બેઠક પરથી વિજય મેળવ્યો હતો. હિતેષભાઈના નામ પર સર્વ સંમતિ ન સધાય તો વોર્ડ-4માંથી વિજયી બનેલા ભરત દિક્ષિત પર કળશ ઢોળાય તેવી શક્યતા છે. તે સિવાય વોર્ડ-1માંથી મીનાબેન મકવાણા, વોર્ડ-5માંથી કૈલાસબેન સુતરીયા, વોર્ડ-1માંથી સેજલબેન પરમાર પણ મેયરની રેસમાં સામેલ છે.

ભાજપાના સૂત્રોનું કહેવું છે કે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા દલિત સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. હવે જયારે તેમનો પુત્ર હિતેશ મકવાણા ગાંધીનગર મેયર બની જાય તો આડકતરી રીતે પૂનમ મકવાણાનું રાજકીય કદ વધી જવાનું છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જેનાં કારણે દલિત સમાજના ઉચ્ચ રાજકીય નેતા જ નથી ઈચ્છતા કે પૂનમભાઈ મકવાણાનો દીકરો મેયર બને. જેનાં માટે ભાજપમાં લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. અને અંદર ખાને હિતેશ મકવાણા સામે વિરોધનો વંટોળ પણ વહેતો કરવામાં આવ્યો છે.

ઉપરાંત હિતેશ મકવાણા બાળપણથી રાજકીય પાઠ શીખ્યા છે. અને તેમને ગાંધીનગરના મેયર તરીકે કેવી રીતે કામગીરી કરવી તેની આગવી આવડત પણ છે. જો હિતેશ મકવાણા મેયર બની જાય તો અત્યાર સુધીમાં ચાલતા આવેલા ગોરખ ધંધા ઉજાગર થઈ જાય તેમ છે. જેનાં કારણે પણ હિતેશ મકવાણા મેયરનાં બને તે માટે લોબીંગ કરાઈ રહ્યું છે.

ત્યારે હિતેષ મકવાણાનાં નામ પર સર્વ સંમતિ ન સધાય તો વોર્ડ-4માંથી વિજયી બનેલા ભરત દિક્ષિત પર કળશ ઢોળાય તેવી શક્યતા છે. જો કે ભાજપને મેયર પદે રબર સ્ટેમ્પની માફક કામ કરે તેવા ઉમેદવારની જરૂરિયાત છે. જે રીતે તડજોડની નીતિથી ભૂતકાળમાં સત્તા હાંસલ કરી કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા તેમજ પ્રવીણ પટેલ (ક્વોલિટી) ને મેયર બનાવી કોર્પોરેશનમાં રાજ કરવામાં આવ્યું હતું. એજ રીતે કહ્યાગરા ઉમેદવારને મેયર પદ આપવામાં આવે તેવું પણ એક લોબી ઈચ્છી રહી છે. જો કે ભાજપની તાસીર મુજબ છેલ્લે આશ્ચર્યજનક રીતે મહિલા ઉમેદવારમાંથી કૈલાસબેન સુતરીયા પર મેયર પદનો કળશ ઢોળી દેવાય તોય નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...