આજે સવારે શહેરના ચ - 6 સર્કલ ઉપર ખાનગી લકઝરી બસની ટક્કરથી સ્કૂલ વાન પલ્ટી ખાઈ જતા 12 બાળકો પૈકી 10 બાળકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાંના ત્રણ બાળકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ગાંધીનગર નો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અકસ્માતના સમાચાર સાંભળીને ગાંધીનગર મેયર હિતેશ મકવાણા સિવિલ દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત બાળકોની ખબર અંતર પૂછી ડોક્ટરોને પણ સારવાર કચાશ રહી ના જાય તેની સૂચનાઓ આપી હતી.
ગાંધીનગરનાં ચ - 6 સર્કલથી પસાર થતી વેળાએ એક લક્ઝરી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને કેન્દ્રીય સ્કૂલના બાળકોને લઈને જતી સ્કૂલ વાનને ધડાકાભેર ટક્કર મારી હતી. જેનાં કારણે સ્કૂલ વાન પલ્ટી ખાઈ જતા બાળકોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના પગલે રાહદારી વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને તમામ બાળકોને સ્કૂલ વાનમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. આ અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બાર બાળકો પૈકી બે બાળકોને થોડી પણ ઇજા પહોંચી નહોતી. જ્યારે દસ બાળકોને શરીરે નાની મોટી ઈજાઓ થતાં સિવિલ લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકોની સારવાર શરૂ કરી દેવાઈ હતી. જે પૈકી એક બાળકને અમદાવાદ, બીજાને કેડી હોસ્પિટલ તેમજ ત્રીજા બાળકને હાઈટેક હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવની જાણ થતાં ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત બાળકોનાં ખબર અંતર પૂછીને વાલીઓ સાથે વાતચીત કરી હતી. ઉપરાંત સિવિલના તબીબોને પણ બાળકોની સારવારમાં કચાશ રહી ના જાય તેની જરૂરી સૂચનાઓ આપી હતી. નોંધનીય છે કે સ્કૂલ વાનમાં સીએનજી કિટ ફીટ કરેલી હતી. જો અકસ્માતમાં સીએનજી ટેન્કમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય એમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.