ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નિમણુંક પામેલા મહિલા સહાયકોને પ્રસુતિની રજાનો લાભ મળશે. ઉપરાંત કરારીય સમયગાળો પૂર્ણ કરતી વેળાએ પ્રસૂતિ રજા જેટલો સમયગાળો ઉમેર્યા સિવાય પૂરા પગારમાં સમાવવાનો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે.
રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી થયેલા શિક્ષણ સહાયકો, વહિવટી સહાયકો તથા સાથી સહાયકોના મહિલા કર્મચારીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પ્રસૂતિની 180 રજાનો લાભ આપવામાં આવતો હતો. પરંતુ કરારીય સમયગાળો પૂર્ણ કરતી વખતે આ પ્રસૂતિ રજા જેટલો સમયગાળો કરારીય સમયગાળામાં ઉમેરવામાં આવતો હતો.
આથી તેટલા દિવસ લેટ પૂરા પગારનો લાભ કર્મચારીઓને મળતો હતો. જેને પરિણામે સહાયક મહિલા કર્મચારીઓને મળવાપાત્ર પ્રસૂતિની રજાને કરારીય સમયગાળામાં નહી ગણવાની માંગણી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓમાં ઉઠવા પામી હતી. ઉપરાંત આ મામલે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે રાજ્યના શિક્ષણ સચિવ અને શાળાઓના કમિશ્નરને લેખિત રજુઆત કરી હતી.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની માંગણીને ધ્યાને રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે ગત તારીખ 16મી, ફેબ્રુઆરી-2006 પછી નિમણુંક પામેલા તમામ મહિલા સહાયકોને પ્રસૂતિની રજાઓને કરારીય સમયગાળામાં ગણવામાં આવશે નહી. એટલે પ્રસૂતિની રજાઓને કરારીય સમયગાળામાં ઉમેર્યા સિવાય પૂરા પગારમાં સમાવવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગના આદેશને પગલે રાજ્યભરના હજારો મહિલા સહાયક કર્મચારીઓને તેમને પડી રહેલી હાલાકીમાંથી રાહત થઇ હોવાનું ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.