રાજ્યમાં H3N2 ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ નવા વેરિયન્ટને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિધાનસભામાં આ અંગે થયેલી ચર્ચામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે H3N2ના દર્દીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ તેઓ માસ્ક પહેરે તેવી સલાહ છે જેથી અન્યને ચેપ ન લાગે.વિધાનસભામાં H3N2 ફ્લૂની બીમારી અંગે નિયમ 116 મુજબ ચર્ચા થઇ હતી. જે દરમિયાન ભાજપના મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો કે આ ફ્લૂને કારણે માસ્ક, સેનિટાઇઝેશન જેવી વાતો થઇ રહી છે.
સરકારે માસ્ક ફરજિયાત અંગેની કોઇ ગાઇડલાઇન બહાર પાડી છે? આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ ફ્લૂના દર્દી માટે માસ્ક ફરજિયાત નથી પણ દર્દીઓએ જાતે જાગૃતિ દાખવીને પોતાના પરિવાર અને આસપાસના લોકોની સલામતિ માટે માસ્ક પહેરવું જોઇએ તેવી સલાહ છે. આવા દર્દીઓ જાતે આઇસોલેટ થાય, હાથ મિલાવવાને બદલે નમસ્કાર કરે, ભીડભાડવાળી જગ્યાએ જાય નહીં તે હિતાવહ છે.પટેલે કહ્યું કે, સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં સિવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવા કેસોમાં વધારો થતો હોય છે.
રાજ્યની હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં 10થી 15 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ઇનડોર દર્દીઓમાં 3થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સિઝનલ ફ્લૂના 83 કેસ અને એક મૃત્યુ નોંધાયા છે. જેમાં 80 H1N1 અને 2 H3N2ના કેસો નોંધાયા છે. રાજ્યમાં H3N2થી એકપણ મૃત્યુ થયું નથી.
H3N2 અંગે રાજકોટ એઇમ્સના ડિરેક્ટરે શું કહ્યું
ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, H3N2 કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફ્લૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે.
કોરોના જેવી સાવચેતી રાખો
કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.
સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલો H3N2 વાઈરસ
રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે વધુમાં જણાવ્યું કે, H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા H3N2 વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી. આ ફ્લૂના કારણે દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે.
H3N2 વાઇરસ શું છે?
H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યૂએન્ઝા વાઈરસ છે જેને ઈન્ફલ્યૂએન્ઝા એ વાઈરસ પણ કહેવામાં આવે છે. આ એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે જે દર વર્ષે રોગોનું કારણ બને છે. ઈન્ફ્લ્યૂએન્ઝા એ વાઈરસનો પેટા પ્રકાર છે જે 1968માં શોધવામાં આવ્યો હતો.
તાવ કેટલા દિવસ સુધી રહે છે?
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ((IMA)નું માનવું છે કે ઇન્ફેક્શનનાં લક્ષણો પાંચથી સાત દિવસ સુધી ચાલુ રહી શકે છે. H3N2થી તાવ ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે છે.
H3N2 ઈન્ફ્લ્યૂએન્ઝા છે?
લક્ષણો જોઈને કન્ફર્મ ન કહી શકાય. બ્લડ સેમ્પલ અને બીજા ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડે છે કે, H3N2 કે પછી બીજી કોઈ બીમારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.