તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અષાઢી બીજે રથયાત્રા નહીં કાઢવા દઈ દબંગગીરી કરનાર પીએસઆઇનાં વિરોધમાં પેથાપુરનાં બજારો સજ્જડ બંધ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય પોલીસે શરતોને આધીન રથયાત્રાની પરવાનગી આપી પણ પીએસઆઇએ દાદાગીરી કરી
  • આજે પીએસઆઇનાં વિરોધમાં વેપારીઓ દ્વારા પેથાપુરનાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ માણસા કલોલ તાલુકા તેમજ ગાંધીનગરનાં પંચદેવ મંદિર રથયાત્રા સમિતિ ને કોરોના ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે પોલીસ દ્વારા શરતોને આધીન રથયાત્રા કાઢવાની પરવાનગી આપી દેવાઈ હોવા છતાં ગઈકાલે પેથાપુર પોલીસ મથકના પીએસઆઇએ સ્થાનિક સમિતિ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી દબંગાઇ કરી રથયાત્રા મંદિર સિવાય અન્યત્ર નહીં યોજવા દેતા આજે પીએસઆઇનાં વિરોધમાં વેપારીઓ દ્વારા પેથાપુરનાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ પેથાપુર ગામમાં આજે પીએસઆઇની કાર્યપ્રણાલિનાં વિરોધમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. ગઈકાલે અષાઢી બીજીનાં રોજ જિલ્લામાં પરંપરાગત રીતે શરતોને આધીન ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા પણ કાઢવા સરકાર દ્વારા મંજૂરી અપાઈ હતી.

બીજી તરફ પેથાપુર ગામમાં પણ વર્ષો મુજબ રથયાત્રાનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે રથયાત્રા સમિતિ દ્વારા સ્થાનિક પોલીસ પાસે પરવાનગી પણ માંગવામાં આવી હતી. એજ રીતે સેકટર 22 પંચદેવ મંદિર સમિતિ એ પણ મંજૂરી માંગી હતી. ત્યારે છેલ્લી ઘડીએ પોલીસ તંત્ર દ્વારા શરતોને આધીન નિયત રૂટ ઉપર રથયાત્રા કાઢવા પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ પેથાપુર પીએસઆઇ વી. બી. પરમાર દ્વારા ગામમાં રથયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ લાદી દઈ રથયાત્રા સમિતિ સાથે ઉદ્ધત વર્તન કરી દબંગાઇ કરવામાં આવી હતી. જેનાં કારણે ગઈકાલે પોલીસ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા. તેમજ ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પણ પીએસઆઇ પરમારની કાર્યપ્રણાલિનો વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લે પોલીસ દ્વારા કડક વલણ ચાલુ રાખવામાં આવતા રથયાત્રાને મંદિરની બહાર સુધી જ લાવી શકાઈ હતી. જેનાં કારણે વર્ષોની ગામની પરંપરા તૂટી જતાં ગ્રામજનો દ્વારા પેથાપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં પંચદેવ મંદિરથી રથયાત્રા સીમિત રૂટ મુજબ કાઢવાની પરવાનગી આપવામાં આવી તો પછી પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ દ્વારા રથયાત્રાનો વિરોધ કરી હિન્દુઓની લાગણી ને ઠેસ પહોંચાડવા નું કૃત્ય કરાયું છે.

પીએસઆઇ સહિતના બીટ પોલીસ ધ્વારા મનસ્વી રીતે જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ કરી તાત્કાલિક પીએસઆઇ પરમારની બદલી કરવામાં નહીં આવે તો જિલ્લા કલેકટર તેમજ રાજય પોલીસ વડા ને આવેદન પત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...