તંત્રની બેદરકારી:વોર્ડ -3માં અનેક સમસ્યા, કોર્પોરેટરો વાહવાહમાં મસ્ત! : ગંદકી, રખડતા ઢોર, દબાણો બાબતે કોર્પોરેટરો ધ્યાન આપતા ન હોવાના આક્ષેપો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-24ના મુખ્ય બજારમાં સફાઈનો અભાવ, ગંદકી અને રખડતા ઢોરની સમસ્યાઓથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. - Divya Bhaskar
સેક્ટર-24ના મુખ્ય બજારમાં સફાઈનો અભાવ, ગંદકી અને રખડતા ઢોરની સમસ્યાઓથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે.
  • સેક્ટર-27 અને 28માં રસ્તાઓ તેમજ કોમન પ્લોટ્સની સફાઈ નહીં થતા લોકોને હાલાકી

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હાલ ગંદકીની મોટી સમસ્યા છે. ત્યારે સેક્ટર-24, સેક્ટર-27 અને સેક્ટર-28નો વિસ્તાર ધરાવતા વોર્ડ નંબર ત્રણ ખાતે હાલ બે અલગ-અલગ ચિત્રો જોવા મળ્યા છે. અહીં એક તરફ ગંદકી, રખડતા ઢોર, દબાણો ગંભીર સમસ્યાઓથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. બીજી તરફ કોર્પોરેટર્સ સ્વચ્છતાં સર્વેક્ષણમાં પોતે કામગીરી કરી હોય તે રીતે બોર્ડ લગાવીને વાહ-વાહ લેવામાં વ્યસ્ત છે.

શહેરના સૌથી જૂના અને મોટા બજાર એવા સેક્ટર-24માં અનેક સમસ્યાઓની ભરમાર છે. અહીં બજારની વચ્ચે જ કચરાના ઢગલાં, રસ્તાઓની સફાઈનો અભાવ, દબાણો સહિતની અનેક સમસ્યાઓ છે. સેક્ટર-24 ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. ત્યારે ગંદકીના દ્રશ્યો શહેરની સફાઈની પોલ ખોલી નાખે છે.

બીજી તરફ સેક્ટર-27 અને સેક્ટર-28ના રસ્તાઓ અને કોમનપ્લોટ્સની સફાઈ થતી નથી જે અંગે કોઈ ઉકેલ આવતો નથી. વોર્ડ નં-3 સહિતના શહેરના અનેક વિસ્તારમાં સ્વચ્છતાં સર્વેક્ષણમાં ગાંધીનગરને મળેલા સ્થાન અંગે ઉલ્લેખ જોવા મળે છે.

જેમાં સ્વચ્છતાં એવોર્ડ માટે અભિનંદન માટે ગૌરવ જાળવવામાં સજ્જ નગરસેવકો જેવા લખાણો જોવા મળે છે. જોકે ખરેખર તો શહેરને એવોર્ડ મળે તે માટે ઓક્ટોબર મહિનામાં કોર્પોરેશન તંત્ર અને સફાઈ કામદારોએ મહેનત કરી હતી. જેની સામે નગરસેવકો હાલ વાહવાહ મેળવતા હોવાની લાગણી કોર્પોરેશનમાં કર્મચારીઓમાં પણ છે.

ખાનગી સ્કૂલના બોર્ડ સામે કોંગ્રેસના કોર્પોરેટરના સવાલો
ભાજપના નગરસેવકોના ફોટો સાથે સ્વચ્છતાના અભિનંદન આપતા બોર્ડ ખાનગી સ્કૂલ દ્વારા લગાવાયા છે. ત્યારે સ્કૂલ સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું હતું કે, ‘યુવાનો, બેરોજગારો અને ધર્મના નામે રાજકારણ કરતું ભાજપ હવે શિક્ષણના નામે રાજકારણ કરે છે. બાળકોના ઘડતરનું કામ કરતી સ્કૂલોએ રાજકારણમાં ના પડવું જોઈએ. આગામી દિવસોમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આવી શાળાઓ સામે ઉગ્ર આંદોલન કરાશે.’ તેવી ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...