દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બીજી તરફ, વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઇ હતી. બુધવારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. નવેમ્બરની મધ્યમાં માવઠું થતાં શિયાળુ સીઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં બહુચરાજીમાં 17 મિ.મી., મહેસાણામાં 13 મિ.મી., ખેડબ્રહ્મા, ઉંઝા, દેહગામ અને કડીમાં 12 મિ.મી., કાંકરેજમાં 8 મિ.મી. વરસાદ નોંધાયો છે. ગુજરાતના 37 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે.
મહેસાણામાં વહેલી સવારથી વરસાદ
મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે મહેસાણા શહેર સહિત વડનગર, વીસનગર, ઊંઝાબજાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતો પણ હતાશ થયા છે. જ્યારે બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં ઊંઝામાં 12 મિમી, કડીમાં 12 મિમી, ખેરાલુમાં 2 મિમી, જોટાણામાં 4 મિમી, બેચરાજીમાં 17 મિમી, મહેસાણામાં 13 મિમી, વડનગરમાં 5 મિમી, વીસનગરમાં 4 મિમી અને સતલાસણામાં 7 મિમી કમોસમી વરસાદ પડ્યો છે.
પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિતત બન્યા
બુધવારે પાટણ સહિત સરસ્વતી, સમી હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યારે ગુરુવારે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિતત બન્યા હતા. આ કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ હતી. સવારે 10 વાગ્યા સુધીના જિલ્લાના ચાણસ્મામાં 6 મિમી, પાટણમાં 4 મિમી, રાધનપુરમાં 4 મિમી, સાંતલપુરમાં 4 મિમી, સિદ્ધપુરમાં 3 મિમીમાં શંખેશ્વર 2 મિમી અને સમીમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠું થયું હતું. જ્યારે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
ગાંધીનગરના કલોલ, માણસા અને ચિલોડામાં વરસાદ
ગાંધીનગર જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે કલોલ, માણસા, ચિલોડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે કલોલ તાલુકામાં સવારે 6થી 8 કલાક દરમિયાન 2 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
ખેડામાં અમુક સ્થળે કમોસમી વરસાદ
ખેડા જિલ્લામાં ગત રોજથી પલટાયેલા વાતાવરણમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક સ્થળે કમોસમી માવઠું થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોની જેમ ખેડા જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે ઠાસરા સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
જૂનાગઢ અને ગીર સોમનાથમાં મોડીરાતથી વરસાદ
ઉત્તર ગુજરાત ઉપરાંત સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ, ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હોય એમ વાદળછાયું વાતાવરણ અમુક તાલુકામાં છવાયું હતું. આજે વહેલી સવારના સમયે જૂનાગઢ, મેંદરડા અને તાલાલા ગીર તાલુકાનાં અનેક ગામોમાં કમોસમી વરસાદનું માવઠું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ વરસવાનાં એંધાણને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે.
કચ્છમાં મોડી રાતથી સવાર સુધી કમોસમી વરસાદ પડ્યો વાગડના રાપર વિસ્તારમાં વ્યાપક કમોસમી વરસાદ મોડી રાતથી આજ સવાર સુધી ઝાપટાં સ્વરૂપે પડ્યો હતો. રાપરના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી વહી રહ્યા હતા અને અનેક ખેતરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યાં છે. તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ માવઠું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. માવઠાને પગલે ઠંડીમાં વધારો નોંધાયો છે તો વાતાવરણ દાહોળાયેલું બની ગયું છે. વાતાવરણની સીધી અસર ખેડૂતવર્ગને પ્રભાવિત કરતા પાકને લઈ ચિંતા ફેલાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.