કિસાન સંઘની કૃષિમંત્રી સાથે બેઠક:ગુજરાતના અનેક ખેડૂતોને વર્ષ 2019ની પાક વીમા સહાય મળી નથી, ખેડૂતને મૃત્યુ સહાય પેટે 4 લાખ ચૂકવો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સંઘે ખેડૂતોના 14 મુદ્દાને લઈને કૃષિમંત્રીને રજૂઆત કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ખેડૂતલક્ષી મુદ્દાઓની વિવિધ માંગ માટે સરકારે કમિટી રચી અને આંદોલન ઠાર્યું હતું. જો કે હજુ પણ અનેક એવા કૃષિલક્ષી મુદ્દાઓ છે, જે અંગે કોઈ નિરાકરણ ન આવતાં પડતર માગો સંતોષવાનું ભૂત ફરી ધુણ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આજ રોજ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વિવિધ 14 જેટલા પડતર મુદ્દાની માંગ સંતોષવા માટે બેઠક યોજાઈ હતી.

ખેડૂતોના 14 મુદ્દાને બજેટમાં પ્રાધાન્ય આપોઃ કિસાન સંઘ
ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી બજેટમાં ખેડૂતોના હિતાર્થ યોજનાની જોગવાઈમાં વધારો કરવામાં આવે. રાજ્યમાં જે ખેડૂતોને 2019માં પાક વીમાનું વળતર મળ્યું નથી, તે સત્વરે મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તાર ફેન્સિંગ યોજનાની પડતર અરજીઓનો નિકાલ કરવામાં આવે તેમજ સર્ટીફાઇડ બિયારણ યોજનામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા જે 14 મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે, તેને બજેટમાં પ્રાધાન્ય આપે તેવી કૃષિમંત્રી રાઘવજી પટેલને કિસાન સંઘના હોદ્દેદારોએ રજૂઆત કરી છે.

‘પડતર પ્રશ્નોનું નિવારણ ઝડપી લાવવા માગ’
આ બેઠકમાં આગામી બજેટમાં ખેડૂતોની વિવિધ યોજનામાં જોગવાઈની મર્યાદા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની આકસ્મિક મૃત્યુ સહાય બાબતે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિવારણ ઝડપી લાવવામાં આવે તેવી કિસાન સંઘ દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. કિસાન સંઘે કુલ 14 જેટલા મુદ્દાને લઈને કૃષિમંત્રીને રજૂઆત કરી હતી.

‘કિસાન મૃત્યુમાં 4 લાખ રૂપિયાની સહાય ચૂકવો’
આજની બેઠકમાં કિસાન મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કિસાનનું આકસ્મિત મૃત્યુ થાય તો રાજ્ય સરકાર 2 લાખ સહાય ચૂકવે છે. કિસાન સંઘે એક લાખ સહાયના સ્થાને 4 લાખ સહાય આપવાની માગ કરી છે. આ ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે રાજ્ય સરકાર 1 લાખ સહાય આપે છે. કિસાન સંઘે સ્ટ્રક્ચર બનાવવા માટે સહાયની રકમ વધારીને 1.50 લાખ કરવાની માગ કરી છે. કિસાન સંઘની તમામ માંગણીઓ કૃષિમંત્રીએ સાંભળી અને તેની અમલવારી થાય તેની ખાતરી આપી હતી.

ચૂંટણી અગાઉ પણ સરકારે આંદોલન ઠારવા કમિટી રચી હતી
ગુજરાતની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્ય સરકારે ખેડૂતોના પ્રશ્ન હલ કરવા માટે કેટલીક કમિટીની રચના કરી હતી. જેમાં મીટર, હોર્સ પાવર, સમાન દર બાબતે કમિટીની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટ આધારે રાજ્ય સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારી અમલવારી કરી હતી. કિસાન સૂર્યોદય યોજના બાબતે કમિટીની રચના કરવામાં આવી છે. પશુપાલકોને લીટર દીઠ 2 રૂપિયા સહાય આપવા બાબતે કમિટીની રચના કરવામાં આવી છે. ટ્રેકટર અને ટ્રોલી પર લાદવામાં આવતો ટેક્સ નાબૂદ કરવા બાબતે કમિટીની રચના કરવામાં આવી છે. જમીન રી સર્વે બાબતે પણ રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે.

અન્ય સમાચારો પણ છે...