રાજય સરકાર દ્વારા ઇ-સરકાર પોર્ટલ મારફત જ તમામ ફાઇલોને મંજૂર-નામંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અગાઉ જે હેન્ડ ટુ હેન્ડ ફાઇલ મૂવ કરાતી હતી તેને બદલે હવે ઇ-સરકાર પોર્ટલ પર જ તમામ ફાઇલ અપલોડ કરીને આગળ વધારવાની પ્રક્રિયા નિયત કરી છે. જોકે આ ફાઈલો અપલોડ કરવામાં મુશ્કેલી આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
અગાઉ ફાઇલ ઇ-સરકારમાં અપલોડ કરવાની પદ્ધતિ માત્ર સચિવાલય પૂરતી મર્યાદિત હતી, હવે જિલ્લા અને તાલુકાની તાબાની કચેરીમાં પણ આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે જેના કારણે હાલ ફાઈલ અપડેટ કરવામાં સર્વરની સમસ્યા આવી રહી હોવાનું કર્મચારીઓનું કહેવું છે.
રાજ્યની કોઇ પણ કામગીરી કરવા માટે તૈયાર થતી દરખાસ્તની મંજૂરી માટેની ફાઇલ એક અધિકારીથી બીજા અધિકારી સુુધી હેન્ડ ટુ હેન્ડ જતી હતી. જેમાં વધુ સમય અને કાગળનો વધુ ઉપયોગ થતો હોવાથી સરકારે તમામ કાર્યવાહી ડિજિટલ બનાવવાનું નક્કી કર્યું છે. જેથી હવે રાજય સરકારે ઇ-સરકાર નામનું વેબપોર્ટલ તૈયાર કર્યુ છે. આ પોર્ટલ મારફત ફાઇલ એક અધિકારીથી બીજા અધિકારી સુધી જાય છે. અત્યાર સુધી ઇ-સરકાર પોર્ટલ પર ફાઇલ અપલોડ કરવાની પદ્ધતિ માત્ર જૂના સચિવાલય અને નવા સચિવાલય પુરતી મર્યાદિત હતી.
હવે આ પદ્ધતિ સચિવાલયના વિવિધ વિભાગ હેઠળની જિલ્લા અને તાલુકા સ્તરે આવેલી કચેરીમાં પણ અમલમાં મુકવામાં આવી છે, એટલે કે તમામ દરખાસ્ત સહિતની કામગીરીનું કામ માત્ર ઇ-સરકાર મારફત થાય છે. આ પદ્ધતિને કારણે ઇ-સરકાર વેબપોર્ટલ પર ટ્રાફિક વધી ગયો છે. આથી ઇ-સરકાર પોર્ટલ પર ફાઇલ અપલોડ કરવાની કર્મચારીઓ શરૂઆત કરે એટલે પોર્ટલ ખુલતું જ નથી. કર્મચારી ફાઇલ અપલોડ કરવા ઇ-સરકાર પોર્ટલ ખોલે એટલે તરત જ હોમ પેજ આવવું જોઇએ તે આવતું નથી અને સર્વર એક્ટિવ થતું નથી. આથી કર્મચારીઓ માટે ફાઇલ અપલોડ કરવી મુશ્કેલી થતા અનેક કામગીરી અટવાઈ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.