તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરામ કરવો ભારે પડ્યો:માણસા પોલીસે વિહાર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર તેમજ બાઈક પર કારનું પાયલોટિંગ કરતા શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ માણસા વિહાર ચોકડી પાસે વિદેશી દારૂના જથ્થા સાથે આરામ કરવા ઉભા હતા
  • પોલીસે કુલ રૂ. 4.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઈકો કારમાં વિદેશી દારૂની 432 બોટલો ભરીને તેની હેરફેર માટે નીકળેલા બુટલેગરોને માણસા પોલીસ મથકની હદમાં આરામ કરવો ભારે પડી પડ્યો હતો. માણસા પોલીસે વિહાર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર તેમજ બાઈક પર કારનું પાયલોટિંગ કરનાર ઈસમ સહિત પાંચ લોકોને દબોચી લઈ કુલ રૂ. 4 લાખ 29 હજાર 784 ની મત્તા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણસા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વિહાર ચોકડી પાસે સફેદ કલરની ઈકો કાર તેમજ બાઈક સાઈડમાં ઊભુ રાખી પાંચ ઈસમો ઉભા રહ્યા હતા. ત્યારે પોલીસને જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. જેમની વર્તણૂક શંકાસ્પદ લાગતા પીએસઆઇ જી. એ. સોલંકીને શંકા ઉપજી હતી. જેથી પોલીસ ટીમ પાંચેય ઈસમો પાસે પહોંચી ગઈ હતી. અને તેમની જરૂરી પૂછતાંછ કરતાં નિલેશ શાંતિલાલ ખરાડી, મોતીલાલ દોલતરામ ગામીતિ, નિતીન શંકર લાલ ફનાત, કૈલાસ બાબુભાઈ અહારી (તમામ રહે રાજસ્થાન) તેમજ હિતેશ સિંહ રમણ સિંહ દેવડા (રહે. ખાટાઆંબા છેલ્લો વાસ માણસા) હોવાનું જણાવ્યું હતું.

પોલીસ ટીમની પૂછતાંછથી પાંચેય ઈસમોને પસીનો છૂટવા માંડ્યો હતો જેથી પોલીસને ચોક્કસ કાંઈ ગરબડ હોવાનું લાગ્યું હતું. જેથી પોલીસ ટીમે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૃ તેમજ બિયર મળી કુલ 432 નંગ દારૂ મળી આવ્યો હતો. જે અંગે તેમણે કોઈ સંતોષ જનક જવાબ ન આપતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

આ અંગે માણસા પીઆઈ જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઈકો કારમાં વિદેશી દારૃ ભરીને તેની હેરફેર માટે ઉક્ત ઈસમો નીકળ્યા હતા. જે કારનું બાઈક પર પાયલોટિંગ પણ કરવામાં આવતું હતું. જેઓ વિહાર ચોકડી પાસે આવીને ઉભા હતા અને પોલીસે ઝડપી લીધા છે. જેમની પાસેથી વિદેશી દારૂનો જથ્થો, ઈકો કાર, બાઈક તેમજ પાંચ મોબાઇલ મળી કુલ. 4 લાખ 29 હજાર 784 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...