સાચા સ્વરાજ અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણ નિર્માણના ઉદ્દેશથી સ્થાપિત આમ આદમી પાર્ટી તરફથી કોરોના કાળ દરમિયાન નિધન પામેલાં નાગરિકોના સ્નેહીજનોને સાંત્વના આપવા અને સરકાર તરફથી યથાયોગ્ય સહાય અપાવવાના શુભ આશયથી જનસંવેદના યાત્રા આયોજિત કરવામાં આવી છે. જે અન્વયે માણસા આમ આદમી પાર્ટી દ્વારા યાત્રાનો તા. 12મી ઓગસ્ટથી પ્રારંભ કરવામાં આવનાર છે.
કોરોના કાળમાં માણસા તાલુકામાં પણ અનેક લોકો મોતને ભેટયા હતા. જિલ્લાની સાથે માણસા તાલુકો પણ કોરોનાની ઝપેટમાં આવી જતાં અનેક લોકો કોરોના સંક્રમણ નો ભોગ બન્યા હતા.
ત્યારે કોરોનામાં મોતને ભેટેલા દર્દીઓના સ્વજનોને સરકાર તરફથી મળતી સહાય વધુ ઝડપી રીતે અપાવવાના ના શુભ આશયથી જનસંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત માણસા તાલુકાના ગામે ગામથી પીડિત પરિવારોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
તાલુકા સંગઠનના સાથી સ્વયંસેવકો ઘરે ઘરે જઈને મૃતકના સ્વજનો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી યાત્રામાં સહભાગી થવા નિમંત્રિત કરી રહ્યાં છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પ્રવક્તા રાકેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તા. 12મી ઓગસ્ટને ગુરુવાર સવારે આઠ કલાકે મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર અને કોટયર્ક મંદિરના પુનિત પ્રાંગણમાં યાત્રા પ્રસ્થાન કરશે.
આ યાત્રા તાલુકાના માણસા, આમજા, ઈટાદરા જેવા વિવિધ ગામોમાંથી પસાર થશે. વિવિધ સમાજના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા અનેક સ્થળોએ સદર યાત્રાનું હૂંફાળું સ્વાગત થનાર છે. ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો એમાં જોડાનાર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.