ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં રખડતા કૂતરાઓના ત્રાસથી નાગરિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા છ મહિનામાં એક પછી અલગ-અલગ વિસ્તારોમાં કૂતરાના કરડવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે રખડાત કૂતરાઓના નિયંત્રણ માટે કોર્પોરેશન પાસે જ હથિયાર ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણની છે. ત્યારે છેલ્લા ચાર વર્ષમાં જ કોર્પોરેશન દ્વારા રખડતાં કૂતરાઆનો ખસીકરણ અને રસીકરણ માટે અઢી કરોડથી વધુનો ખર્ચ કર્યો છે, છતાં સ્થિતિ જેમની તેમ જ હોય તેવું લાગી રહ્યું છે.
ગાંધીનગરમાં કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં અંદાજે 44,972 જેટલા રખડતાં કૂતરા છે, જેમાંથી 2021-22 સુધીમાં 18390 કૂતરાઓનું ખસીકરણ તથા હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધુ 6481 કૂતરાઓનું ખસીકરણ-રસીકરણ કરાયું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પરંતુ જે રીતે શહેરમાં રખડતા કૂતરાની સંખ્યાએ માઝા મૂકી છે એ જોતાં કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતાં ખર્ચ સામે અનેક સવાલો ઉભા થયા છે. સેક્ટર-2, સેક્ટર-28, સેક્ટર-7 સહિતના વિસ્તારોમાં તાજેતરમાં નાના બાળકોને કૂતરાઓ કરડવાના બનાવા સામે આવ્યા છે. જેને પગલે નાગરિકો નાના બાળકોને ઘર બહાર રમતા મુકવામાં પણ ડરી રહ્યાં છે.
વાહનો પાછળ દોડતા કૂતારાંથી અકસ્માતનો સતાવતો ભય
શહેરના અનેક વિસ્તારમાં રખડાત કૂતરાઓ વાહનો પાછળ દોડતાં નજરે પડે છે. જેમાં ટુ વ્હીલર જેવા વાહનો સ્પીલ થઈ જવાના બનાવો પણ બને છે. જેમાં કૂતરાઓ પાછળ પડતાં ચાલકો સ્પીડમાં વાહનો ભગાવે છે. જેને પગલે ગંભીર અકસ્માતનો ભય રહેવાની સાથે રસ્તામાં આવતા રાહદારીઓને વાહન અથડાવાનો ભય રહે છે.
તાજેતરમાં જ એક બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા. તો સેક્ટર 28માં પણ કેટલાક લોકોને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા. ત્યારે કોર્પોરેશન આટલો ખર્ચ કરતી હોવા છતાં શ્વાનના ત્રાસમાંથી છૂટકારો મળતો નથી.
2023-24માં ખસીકરણ માટે સૌથી વધુ દોઢ કરોડની જોગવાઇ કરાઇ
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ માટે નાણાકીય વર્ષ 2019-20માં 77.96 લાખ, વર્ષ 2020-21માં 36.81 લાખ, વર્ષ 2021-22માં 55.03 લાખ જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 2022-23-80 લાખથી વધુનો ખર્ચ કર્યો છે.
જ્યારે આગામી નાણાકીય વર્ષ 2023-24માં તંત્ર દ્વારા આ કામગીરી માટે દોઢ કરોડની જોગવાઈ કરાઈ છે. આગામી સમયે કૂતરાઓના ત્રાસ ઘટી જવાની હૈયા ધારણા હાલ તો મનપા નાગરિકોને આપી રહ્યું છે. ગાંધીનગરમાં સેક્ટર-1, સેક્ટર-19, સેક્ટર-8 સહિતના વીઆઈપી વિસ્તારોમાં સામાન્ય રીતે રખડતા કૂતરાઓના ત્રાસ નહીંવત જોવા મળે છે. કારણ કે આ વિસ્તારોમાં જો રાત્રે રખડતા કૂતરાઓ ભસવાનો પણ અવાજ આવે તો અડધી રાત્રે અધિકારીઓના ફોન રણકવાના શરૂ થઈ જાય છે. જેને પગલે આવા વિસ્તારોમાં કોઈ તકલીફ ન પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.