રોષ:મનપાએ વર્ષમાં 4628 રખડતાં ઢોર પકડ્યાં છતાં ત્રાસ યથાવત્

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 ઓગસ્ટથી પકડેલા ઢોર છોડવાનું બંધ, માલધારીઓ આજે ધરણાં કરાશે

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર સહિતના રાજ્યભરમાં હાલ રખડતા પશુઓનો પ્રશ્ન સળગતો છે. 13 ઓગસ્ટના રોજ કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લીધા બાદ તો સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં જ એક વર્ષમાં 4628 ગાયો પાંજરે પુરાઈ છે. તેમાં પણ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા ઓગસ્ટ મહિનામાં જ રેકોર્ડબ્રેક 660 ગાયો પકડાઈ છે. મનપામાં હાલ શ્રી પરીષદ ખાદીગ્રામદ્યોગ સંઘ દ્વારા 1 સપ્ટેમ્બર 2021માં કામગીરી શરૂ કરાઈ હતી, જેને 31 ઓગસ્ટ 2022માં એક વર્ષ પુરૂ થયું છે.

જેમાં મનપા દ્વારા અત્યાર સુધી ઢોર છોડવા માટે દંડ લઈને 25 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જોકે કોર્પોરેશન દ્વારા 26 ઓગસ્ટથી જ દંડ લઈને પણ ઢોર છોડવાનું બંધ કરી દેવાયું છે. જેને પગલે માલધારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન દ્વારા 28 ડિસેમ્બર-2021થી ઢોરના દંડમાં વધારો કરીને નિયમો કડક કરાયા હતા.

જેમાં શહેરના મુખ્યમાર્ગો એટલે કે રોડ નં-1થી 7 તથા ક રોડથી જ રોડ પરથી ઢોર પકડાય તો છોડાતા નથી અને પશુઓને કાયમી ધોરણે પાંજરાપોળ મોકલી અપાય છે. આ સિવાયના વિસ્તારોમાં ઢોર પકડાય તો પ્રથમ વખત નક્કી કરેલો દંડ બીજી વખત ડબલ દંડ અને ત્રીજી વખત ઢોરને સીધા પાંજરાપોળ મુકી અવાય છે. જાન્યુઆરીથી દંડમાં વધારો કરાતા કોર્પોરેશની આવકમાં પણ વધારો થયો છે.

માલધારીઓના છાવણી ખાતે ધરણાં
રખડતી ગાયો મુદ્દે ચાલતી માથાકૂટ અને તંત્ર દ્વારા પકડેલા ઢોર ન છોડાતા માલધારીઓમાં રોષની લાગણી છે. જેને લઈને આજે સત્યાગ્રણ છાવણી ખાતે માલધારીઓ ધરણાં કરશે. જો મંજૂરી મળશે તો આજે અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા પણ કાઢવાની તૈયારી કરાઈ છે. માલધારીઓ દ્વારા ઢોર ન છોડવા સામે અને કડક કરાયેલા નિયમો સામે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે ધરણાં કરાશે.

મેયરે પણ જાહેરમાં ઘાસચારાના વેચાણ સામે જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી
ત્રણ દિવસ પહેલાં મેયર હિતેશ મકવાણા દ્વારા જ ગાંધીનગર પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરાઈ છે. જેમાં પ્રતિબંધ વચ્ચે શહેરમાં જાહેરમાર્ગ, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ઘાસચારાના વેચાણ કરતાં લોકો સામે ફોજદારી રાહે પગલાં લેવા તેઓએ માંગણી કરી હતી.

ગાયો છોડાવી જનારું દંપતી 8 દિવસે ફરાર
ગત શનિવારે મનપાની ઢોર પકડ પાર્ટી દ્વારા ખ-3 સર્કલ પાસે એક ગાય પકડી હતી. આ સમયે દાંતરડું લઈને આવેલા સેક્ટર-13ના છાપરમાં રહેતાં વાલીબેન રઘુભાઈ ભરવાડ (40 વર્ષ) તથા રઘુભાઈ દેવાભાઈ ભરવાડ (52 વર્ષ) માથાકૂટ કરીને ગાય છોડાવી ગયા હતા. જે અંગે અધિકારી દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જોકે આ વાતને આજે આઠ દિવસ થવા છતાં દંપતિ પોલીસના હાથમાં આવ્યું નથી.

મનપા વિસ્તારમાં પકડાયેલાં પશુ
મહિનોપકડેલા પશુ
સપ્ટેમ્બર-2021214
ઓક્ટબર-2021217
નવેમ્બર-2021326
ડિસેમ્બર-2021487
જાન્યુઆરી-2022514
ફેબ્રુઆરી-2022331
માર્ચ-2022402
એપ્રિલ-2022314
મે-2022348
જુન-2022364
જુલાઈ-2022480
ઓગસ્ટ-2022660
અન્ય સમાચારો પણ છે...