રાજ્ય સરકારની તમામ કામગીરી ઓનલાઇન બનાવી અસરકારક, કરકસરયુક્ત અને ઝડપી બનાવવાના ભાગરૂપે ઇ-સરકાર પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ વિભાગોની તમામ ફાઇલો ઓનલાઇન ચલાવવામાં આવી રહી છે અને એકપણ ફિઝિકલ ફાઇલ ન બને તેવો પેપરલેસ વહીવટ અમલી બનાવવામાં આવ્યો છે પરંતુ ધારાસભ્યો- સાંસદોને આ પેપરલેસ વહીવટ માફક આવતો નથી. જેથી સરકારે માત્ર ધારાસભ્યો- સાંસદોના પત્રોના જવાબો ઓનલાઇનને બદલે કાગળ પર ફિઝિકલ આપવાનો આદેશ કર્યો છે.
ઇ-સરકાર એપ્લિકેશન માટે તમામ વિભાગના કર્મચારીઓને તાલિમ આપી દેવાઇ છે અને હવે તેનું સંપૂર્ણ અમલીકરણ પણ શરૂ થઇ ગયું છે, પરંતુ તેમાં પણ કેટલાક અવરોધ આવી રહ્યા છે. તિજોરી અને હિસાબી કચેરીઓમાં બિલોની ચૂકવણીમાં ઇ-સાઇન માન્ય રખાતી ન હોવાથી મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. બીજીતરફ સરકારે ધારાસભ્યોના પત્ર વ્યવહાર માટે ઇ-સરકારમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
ધારાસભ્યો- સાંસદો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી- મંત્રીઓને પત્ર લખતા હોય છે જે પત્ર જરૂરી કાર્યવાહી માટે વિભાગોમાં જાય છે. કેટલીક વખત ધારાસભ્યો સીધા જ વિભાગોને પણ પત્રો લખતા હોય છે. ધારાસભ્યો- સાંસદોના મુદ્દાઓ પણ ઇ-સરકાર મારફતે ઓનલાઇન કરવાના થાય તો તેમને તેનો જવાબ ઇ-મેઇલ પર મળે છે પરંતુ ધારાસભ્યો- સાંસદોને આ પદ્ધતિ માફક આવતી નહીં હોવાથી તેમના સંદર્ભો અને પત્રોના જવાબ અગાઉની જેમ જ કાગળ પર ફિઝિકલ આપવા અને વિભાગના સચિવની સહી સાથે પત્ર વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.