તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉમટયુ, મુખ્ય ગેટથી જ કોરોના ગાઇડલાઇન ન સચવાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • પાંચ વાગે પાર્ક બંધ થવાનું હોવા છતાં તંત્ર દ્વારા સાડા ચાર સુધી ટિકિટ આપવામાં આવે છે
  • પાર્કના એન્ટ્રી ગેટથી જ માસ્કનાં નિયમોનો થતો ઉલાળિયો

તાજેતરમાં જ ગાંધીનગરમાં નિર્માણ પામેલા ઓપન મોટ પ્રકારના ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન પાર્કની ક્ષમતા કરતા ચાર ઘણા મુલાકાતીઓ ઉમટી પડતાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો મુખ્ય ગેટથી જ શરૂ થયેલો જોવા મળ્યો હતો. એમાંય પાર્ક 5 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવામાં આવતું હોવા છતાં પાર્કની ટિકિટ આપવાનું ચાલુ રાખી કમાણી કરી લેવામાં આવી રહી હતી.

ગીર' ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ઓપન મોટ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે.

આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. નવા રૂપ રંગના પ્રકૃતિ ઉદ્યાનને નિહાળવા માટે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પાર્કની ક્ષમતા કરતા વધુ સહેલાણીઓ આજે ઉમટી પડ્યા છે.

ઉદ્યાનમાં પાર્કિંગની જગ્યા ખૂટી પડતાં ઉધાનની કચેરીને પણ પાર્કિંગ માં ફેરવી દેવાની ફરજ પડી રહી છે. જો કે ઉદ્યાનમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું હોવા છતાં પાર્કમાં કોઈ પ્રકારે કોરોના ગાઈડ લાઈન નું પાલન કરાવવામાં આવતું નથી.

અહીં આવનાર મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વિના હૈયું થી હૈયું દળાયએ રીતે નિયમોનો ઉલાળિયો કરીને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાનો નજારો જોવા મળી રહ્યો છે.

તેમ છતાં ઉદ્યાનમાં કોરોના ગાઈડ લાઈનના અમલવારી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એમાંય વળી ઉદ્યાન પાંચ વાગ્યા સુધી જ ખુલ્લું રહેતું હોવા છતાં સાડા ચાર સુધી ટિકિટ બારી ખુલ્લી રાખી કમાણી કરવામાં આવતી હોવાનો રોષ સહેલાણીઓએ વ્યકત કર્યો છે.

આ અંગે એક સહેલાણીએ જણાવ્યું હતું કે પાંચ વાગ્યા સુધી જ પાર્ક ખુલ્લું રહેતું હોવા છતાં ટિકિટ આપી દેવામાં આવી છે. આખું ઉદ્યાન ફરતા બે થી ત્રણ કલાક જેટલો સમય જાય એમ છે છતાં અગાઉથી આ અંગેની જાણ નહીં કરીને અમને સાડા ચાર વાગે પણ ટિકિટ આપી દેવાઈ છે. હવે થોડી વારમાં પાર્ક બંધ થવાનો સમય છે જેથી અમારા ટિકિટના પૈસા ખોટી રીતે વેડફાઈ ગયા છે.

સિક્યુરિટી ગાર્ડને પૂછવામાં આવ્યું કે પાંચ વાગે પાર્ક બંધ થવાનું છે તો શું કામ લોકોને એન્ટ્રી આપી રહ્યા છો. જેનાં પ્રત્યુત્તર માં સિક્યુરિટી એ જણાવ્યું હતું કે પબ્લિકને કોણ સમજાવે. બીજી તરફ અહીં આવતા કોઈપણ મુલાકાતી નું સ્ક્રીનીંગ કે માસ્ક તેમજ સેનીટાઈજના નિયમોનું ગેટ આગળથી જ ઉલાળિયો કરીને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવો નજારો ઉદ્યાનમાં સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...