જિલ્લામાં લમ્પી સામે તકેદારી:પાંજરાપોળ અને ગૌશાળાનાં 10098 પશુને સંચાલકોએ સ્વખર્ચે રસી મુકાવી

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગનાે પગપેસારો અટકાવવા અન્ય જિલ્લામાંથી પશુ ખરીદવા અને ન લાવવા સૂચના અપાઈ

લમ્પી વાયરસને પગલે જિલ્લાના પાંચ પાંજરાપોળ અને 12 ગૌશાળાના કુલ-10098 પશુઓની તકેદારીના ભાગરૂપે ખરીદી નહી કરવા તેમજ અન્ય જિલ્લામાંથી પશુ નહી લાવવાની સુચના આપી છે. ઉપરાંત પોતાના ખર્ચે રસીકરણ કરવા માટે જાણકારી આપી છે. તેમાં રાંચરડા અને ડાભલાના પાંજરપોળના સંચાલકોએ પોતાના ખર્ચે પશુઓને લમ્પી રોગ વિરોધી રસીકરણની કામગીરી કરી છે. રાજ્યના 20 જિલ્લાઓમાં વકરી રહેલા લમ્પી રોગચાળાને પગલે રાજ્યના પશુપાલન વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે.

ત્યારે જિલ્લામાં લમ્પી રોગનો પગપેસારો થાય નહી તે માટે જિલ્લા પશુપાલન તંત્ર દ્વારા પશુપાલકોને સમજાવવા માટે સભાઓ યોજવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી 200થી વધુ સભાઓ પશુપાલકોની સાથે યોજીને જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લામાં પશુસારવાર માટે 125 સંસ્થાઓને કાર્યરત કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલા પાંજરાપોળ અને ગૌશાળામાં રાખવામાં આવતા પશુઓની તકેદારી રાખવા માટે સંચાલકોને જરૂરી જાણકારી આપી છે.

ઉપરાંત લમ્પી રોગચાળાને પગલે અન્ય જિલ્લાઓમાંથી પશુઓ નહી લાવવા તેમજ અવર જવર નહી કરવાની સુચના આપી છે. વધુમાં જિલ્લાના 5 પાંજરાપોળમાં રાખેલા 9060 પશુઓ અને 12 ગૌશાળામાં રાખેલી 1038 ગાયોને લમ્પી વિરોધી રસીકરણ કરવાની સુચના આપી છે. તેમ જિલ્લા પશુપાલન અધિકારી ડો.સુરેશભાઇ પટેલે જણાવ્યું છે.

જિલ્લામાં પશુ સારવાર માટે 125 સંસ્થા કાર્યરત કરાઈ

ક્યાં કેટલા પશું ? 5 પાંજરાપોળમાં 9060 પશુ
જિલ્લાના કુલ-5 પાંજરાપોળમાં 9060 પશુઓ રાખવામાં આવ્યા છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 1 પાંજરાપોળમાં 200 પશુ, દહેગામમાં એક પાંજરાપોળમાં 60 પશુ, કલોલમાં બે પાંજરાપોળમાં 7600 પશુ અને માણસામાં એક પાંજરાપોળમાં 1200 પશુ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ-12 ગૌશાળાઓમાં 1098 ગાયો રાખવામાં આવી છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 5 ગૌશાળામાં કુલ 500, કલોલમાં બે પાંજરાપોળમાં 200 અને માણસામાં 5 ગૌશાળામાં 338 ગાયો રાખવામાં આવી છે.

જિલ્લામાં શરૂ કરાયેલા પશુ સારવાર સંસ્થાઓ
જિલ્લામાં લમ્પી વાયરસને પગલે 125 પશુસારવાર સંસ્થાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમાં 23 પશુદવાખાના, 14 પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો, 77 ઘનિષ્ઠ પશુસુધારણા ઉપકેન્દ્રો, 4 ઘનિષ્ઠ પશુસુધારણા જૂથ મથકો, 3 ગ્રામ પશુસારવાર કેન્દ્રો, 1 વેટરનરી પોલીક્લીનિક, 3 દસ ગામદીઠ ફરતા પશુદવાખાનાને કાર્યરત કરવામાં આવ્યા છે.

104 ચિકિત્સકો, પશુ નિરીક્ષકો સ્ટેન્ડ બાય
જિલ્લાના પશુઓ લમ્પી વાયરસનો ભોગ બને નહી તે માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને જાગૃત્તિના તમામ કામો કરવામાં આવ્યા છે. ઉપરાંત મદદનીશ નિયામક, પશુચિકિત્સકો અને પશુધન નિરીક્ષક સહિત કુલ-104 કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખ્યા છે. તેમાં 7 મદદનીશ પશુપાલન નિયામક, 14 પશુચિકિત્સા અધિકારી, 83 પશુધન નિરીક્ષકો છે.

અન્ય સમાચારો પણ છે...