તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્દીનો પાવર:માણસામાં બે પોલીસ જવાનોએ નજીવી બાબતમાં ભત્રીજા સહિતના પરિવારજનોને ઢોર માર મારતાં ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર અને જૂનાગઢ પોલીસમાં જમાદાર તરીકે ફરજ બજાવતા પિતા-પુત્રે દાદાગીરી કરી

ગાંધીનગર અને જૂનાગઢ પોલીસમાં જમાદાર તરીકે ફરજ બજાવતા પિતા-પુત્રે નજીવી બાબતમાં ભત્રીજા તેમજ તેની પત્ની અને ભાભીને લાકડીઓ લઈને ઢોર માર મારી લોડીંગ રિક્ષાનાં કાચ તોડી નાખીને ખાખી વર્દીની ધમકીઓ આપી આતંક મચાવતા માણસા પોલીસ મથકમાં ચાર જણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

માણસા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, માણસા ખાતે રહેતા નરેશ સુલતાનભાઈ કાગસીયા તેની પત્ની રૂપલ તથા માતા હરિબેન અને ભાભી સજનાબેન સાથે ઘરની ઓસરીમાં બેસીને વાતચીત કરી રહ્યા હતા. તે વખતે નરેશની દાદી ગવરીબેન આવીને કહેવા લાગ્યા હતા કે, અમારા વિશે તમે શું કામ વાતો કરો છો. જેથી નરેશે અમે અમારી વાતો કરીએ છીએ તમારે શું એવુ કહેતા જ ગવરીબેન એકદમ ગાળો બોલવા લાગ્યા હતા.

જેમનું ઉપરાણું લઇ કાકા મણાભાઈ પ્રતાપભાઈ કાગસીયા તેમના બે પુત્રો કરણ મણાભાઈ અને ચેતન મણાભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને બિભત્સ ગાળો બોલવા લાગી નરેશ તેમજ તેની પત્ની અને માતાને ગડદાપાટુનો લાકડીથી માર મારવા લાગ્યા હતા. ત્યારે ચેતને લાકડી લઈને નરેશની લોડીંગ રિક્ષાનાં કાચ પણ તોડી નાખ્યા હતા.

તે દરમિયાન નરેશનાં પિતા સુલતાનભાઈ આવી પહોંચી તેઓને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આટલે થી નહીં રોકાયેલા મણાભાઈ અને તેમના પુત્ર કરણે અમારા વિશે વાત કરશો તો મજા નહીં આવે અમે પોલીસ છીએ તેવી ધમકીઓ પણ આપી હતી. બાદમાં ઉક્ત તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે માણસા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મણાભાઈ અને તેમનો પુત્ર પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. જેમાથી એક ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ તેમજ એક જૂનાગઢ પોલીસમાં ફરજ બજાવે છે. હાલમાં ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...