બેંકો પણ અસુરક્ષિત:ગાંધીનગરનાં સેકટર-21 ની બેંક ઓફ બરોડામાંથી 60 હજાર રોકડા - અગત્યના દસ્તાવેજો ભરેલી બ્રીફકેસ ચોરીને શખ્સ ફરાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર - 21 ની બેંક ઓફ ઈન્ડિયામાંથી 60 હજાર રોકડા તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી બ્રીફકેસ ચોરીને અજાણ્યો ઈસમ ફરાર થઈ જતાં સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે તસ્કરો બેંકમાં ઘૂસીને પણ ચોરીની ઘટનાને અંજામ આપતાં હોવાનું પ્રકાશમાં આવતાં બેંકોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.

ગાંધીનગરના સેકટર - 8 પ્લોટ નંબર - 91 માં રહેતા 69 વર્ષીય મનોજભાઈ પ્રકાશચંદ્ર મિત્તલ એરફોર્સમાંથી વર્ષ 1997 માં નિવૃત્ત થયાં છે. આજરોજ મનોજભાઈ તેમના પત્ની રેખાબેન સાથે સેકટર - 21 ની બેંક ઓફ બરોડામાં ગયા હતા. અને ચેક ભરીને 60 હજાર ખાતામાંથી ઉપાડયા હતા. બાદમાં તેઓ બ્રીફકેસમાં પૈસા મુકી બાજુમાં આવેલી ઈન્ડિયન બેંકમાં કામ અર્થે ગયા હતા.

જ્યાં કામ પૂર્ણ થઈ જતાં ફરીવાર કામ અર્થ બેંક ઑફ બરોડામાં ગયા હતા. અને બેંકમાં નોકરી કરતાં રેખાબેન પાસે નોમીનેટ અંગેની ચર્ચા કરતા હતા. એ વખતે તેમણે પોતાની બ્રીફકેસ નીચે મૂકી હતી. આ દરમ્યાન તેમની નજર ચુકવીને કોઈ અજાણ્યો શખ્સ રૂપિયા અને અગત્યના દસ્તાવેજો ભરેલી બ્રીફકેસ ની ઉઠાંતરી કરીને બેંકની બહાર નીકળી ગયો હતો.

થોડીવાર પછી મનોજભાઈને બ્રીફકેસ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી બેંકમાં આજુબાજુ તપાસ કરી હતી. પણ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં તેમણે બેંક મેનેજરને જાણ કરતાં બેંકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક શખ્સ બ્રીફ કેસ ચોરીને જતાં જોવા મળ્યો હતો. આ અંગે મનોજ કુમારની ફરિયાદના આધારે સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...