તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MLAના આવાસ:ગાંધીનગરનાં સેકટર-17માં ધારાસભ્યો માટે આલિશાન આવાસ બનશે: ડેપ્યુટી સીએમ અને અધ્યક્ષ મંગળવારે સ્થળ નિરીક્ષણ કરશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-21માં ફાળવવામાં આવેલા આવાસો ધારાસભ્યોને નાના પડતાં હોવાની રાવ ઉઠતાં નવા આવાસ બનશે

ગુજરાત રાજ્યના બજેટમાં ધારાસભ્યો માટે આલિશાન આવાસ બનાવવાની કરાયેલી જોગવાઈ અંતર્ગત ગાંધીનગરનાં સેકટર-17માં ધારાસભ્યો માટે પાંચ માળના અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. આ માટે આવતી 13 જૂલાઇના રોજ નાયબ મુખ્યમંત્રી તેમજ વિધાનસભા અધ્યક્ષ સેકટર-17ના સ્થળની મૂલાકાત કરવામાં પણ આવવાના છે.

વર્ષો અગાઉ ધારાસભ્યો માટે પહેલા અહીં આવાસો ફાળવવામાં આવ્યા હતા
વર્ષો અગાઉ ધારાસભ્યો માટે પહેલા અહીં આવાસો ફાળવવામાં આવ્યા હતા

ગાંધીનગરનાં સેક્ટર-21માં હાલમાં એમએલએ ક્વાટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેનું ધારાસભ્યો પાસેથી માત્ર માસિક ભાડુ 37 રૂપિયા અને 50 પૈસા જ વસૂલવામાં આવે છે. આ આવાસોમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. જોકે, મકાનનું લાઈટબીલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે.

બાદમાં અહીં ધારાસભ્યો માટે આવાસો બનાવાયા હતા
બાદમાં અહીં ધારાસભ્યો માટે આવાસો બનાવાયા હતા

રાજ્યમાં ધારાસભ્યોને રૂ. 78 હજાર 800 પગાર અને વિવિધ ભથ્થા સહિત મહિને 1.16 લાખ રૂપિયા મળે છે. જેમાં 7 હજાર ટેલીફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સનો સમાવેશ થાય છે. તેમ છતાં ધારાસભ્યો પાસેથી માસિક 37 રૂપિયા અને 50 પૈસા જ ભાડું લેવામાં આવતું હોવાની વાત આશ્ચર્યજનક છે. સરકારે સેકટર-21માં ફાળવવામાં આવેલા આવાસો ધારાસભ્યોને નાના પડતાં હોવાની રાવ ઉઠવા પામી હતી. જેનાં કારણે રાજ્ય સરકારે બજેટમાં ખાસ જોગવાઈ કરી ધારાસભ્યો માટે અદ્યતન મોટા આવાસો બાંધવા નિર્ણય કરાયો હતો પરંતુ તે વખતે ક્યાં સ્થળે નવા આવાસો ઉભા કરવા તે નક્કી કરવામાં આવ્યું ન હતું.

સેકટર 21 માં આવેલ ધારાસભ્ય નિવાસ
સેકટર 21 માં આવેલ ધારાસભ્ય નિવાસ

હવે સરકાર દ્વારા સેકટર-17માં આવેલ જુના એમએલએ કવાર્ટર ખાતે ધારાસભ્યો માટે આવાસો નિર્માણ કરવાનું લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેનાં માટે 13મી જુલાઈનાં રોજ નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ તેમજ વિધાન સભા અધ્યક્ષ સેકટર 17ની મૂલાકાત કરવામાં પણ આવવાના છે.

તંત્ર દ્વારા સેકટર 17 માં સાફ સફાઈ કરવામાં આવી
તંત્ર દ્વારા સેકટર 17 માં સાફ સફાઈ કરવામાં આવી

જે અન્વયે માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓ દ્વારા સેકટર-17માં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સેકટર-17 હનુમાન મંદિરની પાસે આવેલા જૂના એમએલએ કવાર્ટર વિસ્તારમાં યુદ્ધના સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી તેમજ અધ્યક્ષ 13મી જૂલાઈના રોજ આ વિસ્તારની મુલાકાત લઈ અત્રે અદ્યતન સુખ સુવિધાઓ સાથેના પાંચ માળના ભૂકંપ પ્રૂફ બિલ્ડીંગ નિર્માણ કરવાની લીલી ઝંડી આપી દેવાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.

નોંધનીય છે કે, ગાંધીનગરમાં ધારાસભ્યો માટે ચોથી વખત આવાસોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ગાંધીનગરમાં વર્ષો પહેલાં સેકટર-17માં સૌ પ્રથમ એમ.એલ.એ કવાર્ટર બનાવવામાં આવ્યા હતા. જે ખૂબ નાના હોવાથી અહીંથી થોડેક દૂર હનુમાન મંદિર નજીક મોટા આવાસો બાંધી ધારાસભ્યોને ફાળવવામાં આવ્યા હતા. હાલમાં બંને જગ્યાના આવાસો યોગ્ય જાળવણીના અભાવે જર્જરિત થઈ ચૂક્યા છે. તે વખતે આ સેકટરમાં ધારાસભ્યો રહેતા હોવાથી રાજકીય ચહલ પહલ રહેતી હતી. ત્યારે ગાંધીનગરનાં સરકારી કર્મચારીઓની રહેવા માટે સેકટર 17 પહેલી પસંદ પણ હતી.

આ આવાસો પણ ધારાસભ્યોને નાના પડ્યા હોવાથી સેકટર-21 માં નવા આવાસોનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે સેકટર-21ના આવાસો પણ નાના પડતાં હોવાથી ફરી પાછા સેકટર-17માં જ ધારાસભ્યો માટે અદ્યતન મોટા હાઈટેક સુખ સુવિધા સાથેના આવાસોનું નિર્માણ કરવામાં આવશે. જેથી કરીને ફરી પાછી સેકટર-17ની રોનક પાછી આવી જશે.

અન્ય સમાચારો પણ છે...