ગુજરાતમાં લમ્પી વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતના 15 જિલ્લાના 1 હજારથી વધુ ગામોના પશુઓ આ વાઇરસની ઝપટમાં આવી ગયા છે. રાજ્યમાં કુલ 40 હજારથી વધુ પશુઓ સંક્રમિત થયા છે અને 1 હજારથી વધુ પશુઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેખાઈ છે. એકલા કચ્છ જિલ્લામાંજ 800થી વધુ પશુઓના મોત નિપજ્યા છે. લમ્પી વાઇરસને વધતો અટકાવવા માટે સરકાર હરકતમાં આવી છે અને પશુઓનું રસીકરણ ઝડપી બનાવાયું છે.
2.94 લાખથી વધુ પશુઓમાં રસીકરણ
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છેકે, રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છના 15 જેટલા જિલ્લાઓમાં ગાય, બળદ જેવા પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ નામના વાઇરસનો રોગ દેખાવા લાગ્યો છે. કચ્છ, જામનગરમાં આ રોગની વ્યાપક અસર જોવા મળી છે. અત્યારસુધીમાં અમે 40222 જેટલા 1099 ગામોમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી છે. 2.94 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યુ છે. 152 પશુ ચિકિત્સા અધીકારીઓ, 15 જિલ્લામાં 438 પશુધન નિરિક્ષકો સાથે સારવાર કરવામાં આવી રહી છે.
10 ગામ દીઠ એક પશુ એમ્બ્યુલન્સની ફાળવણી
તેમણા ઉમેર્યું છેકે, જે અસરગ્રસ્ત જિલ્લા છે તેમાં આ રોગ ફેલાતો અટકે એ માટે વધારાના પશુ ચિકિત્સકોને ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. પશુધન નિરિક્ષકોને પણ ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. 465 એનિમલ એમ્બ્યુલન્સ વાનમાંથી 200 વાન લમ્પી વાઇરસની સારવાર માટે ફાળવવામાં આવી છે. 10 ગામ દીઠ એક પશુ એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. રસીના 20 લાખ ડોઝની જરૂર પડશે એ પ્રમાણે જથ્થો મંગાવવા જણાવ્યું છે. હાલ સ્ટોકમાં 2 લાખથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.
કોઇ આંકડા છૂપાવવા માગતા નથી
કોંગ્રેસે કરેલા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, વાસ્તવિકતા છૂપાવવાથી તે દૂર થવાની નથી. વાસ્તવિકતા જાણી, ગંભીરતા જાણીને સામનો કરવાથી ઉકેલ આવી શકે. અમે કોઇ આંકડા છૂપાવવા માગતા નથી. રસીનો સ્ટોક ખૂટ્યો નથી. રસીનો સ્ટોક પૂરતો છે. જરૂરિયાત મુજબ રસીના જથ્થાનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે, જે આવતા અઠવાડિયા સુધીમાં મળી જશે. જૂદી જૂદી સહકારી સંઘો, દૂધ ઉત્પાદક સંઘો પણ પોતાના ભંડોળમાંથી રસી ખરીદી કરી પશુઓના સારવારનું કામ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.