લમ્પી રોગ:અનોડિયા સહિતના ગામોમાં લમ્પીનો હાહાકાર; 5 ગાયનાં મોત

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી વિરોધી રસી પશુઓને આપી દેવાઇ છતાં ગાયો સહિતના પશુમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે

અનોડિયા સહિતના આસપાસના ગામોમાં લમ્પી વિરોધી રસી પશુઓને આપી દેવામાં આવી છે. તેમ છતાં ગાયો સહિતના પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત લમ્પીના કારણે પાંચ ગાયોના મોત નિપજ્યા છે. ઉપરાંત અનોડિયા સિવાયના માણસા તાલુકાના દસેક જેટલા ગામોમાં લમ્પીથી પશુઓ સપડાયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચાવનાર લમ્પી રોગનો પગપેસારો જિલ્લામાં થયો હોય તેમ માણસા તાલુકાના અનોડિયા સહિતના દસેક જેટલા ગામોમાં પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે.

જોકે જિલ્લા પશુપાલન વિભાગે તમામ ગામોમાં પશુઓને લમ્પી વિરોધી રસીકરણ કરવામાં આવ્યું છે. આથી પોતાના પશુઓ લમ્પી રોગથી સલામત રહેશે તેવી આશા પશુપાલકોમાં ઉભી થઇ હતી. પરંતુ પશુપાલકોની આશા ઝાંઝવાના જળ સમાન સાબિત થઇ હોય તેમ રસીકરણ કરવા છતાં પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળતા પશુપાલકો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફળી વળ્યું છે. ઉપરાંત લમ્પીના લક્ષણોવાળા પશુઓના મોત નિપજતા પશુપાલકોની રોજીરોટી છીનવાઇ જતા આર્થિક સંકટ આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ત્યારે લમ્પી રોગચાળો નાબુદ થાય તેવી નક્કર દવા આપવામાં આવે તેવી માંગ ગ્રામજનો અને પશુપાલકોમાં ઉઠવા પામી છે.

લમ્પીના લક્ષણ મોટી સંખ્યાના પશુમાં
અનોડિયા ગામોમાં લમ્પી રોગના લક્ષણો મોટી સંખ્યામાં પશુઓમાં જોવા મળી રહ્યા છે. ઉપરાંત લમ્પીના લક્ષણો ધરાવતા પાંચ ગાયોના મોત થતાં ગ્રામજનોમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે મોતને ભેટનાર તમામ ગાયોને લમ્પી વિરોધી રસી આપવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

લમ્પી રોગ માટે દેશી દવા જ અસરકારક
લમ્પી રોગ માટે રસી કરતા દેશી દવા જ અસરકારક સાબિત થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. દેશી દવામાં લીમડાનું પાણી પીવડાવું, હળદર ખવડાવવી, ફોલ્લા ઉપર હળદર લગાવવી, મરી, લસણને વાટીને હળદર કે ગોળ સાથે ફરજિયાત તેલ નાંખીને તેમાં મીઠું નાખીને ખવડાવવું તેમજ ફટકડીનું પાણી આપવું સહિતનાથી લમ્પી રોગમાં ફાયદો થતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

સરકારી પશુ ડોક્ટરો જ સારવાર કરે છે
લમ્પી રોગના લક્ષણો ધરાવતા પશુઓની સારવાર માટે જિલ્લા પશુપાલન વિભાગના સરકારી પશુુ ડોક્ટરો સારવાર કરી રહ્યા છે. ઉપરાંત પશુ ડોક્ટરોને પુરતી દવાઓ આપવામાં આવતી નહી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ઉપરાંત કોઇ સેવાભાવી સંસ્થાઓ કે ધારાસભ્યો દ્વારા પણ લમ્પી જેવા લક્ષણો ધરાવતા પશુઓને સારવાર મળે છે કે નહી તેની મુલાકાત કે તપાસ પણ કરતા નહી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...