ધરણાં પ્રદર્શન:ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારોનાં ધરણા, વર્ષ-2022 ની ભરતીમાં કોમન ઉમેદવારોના કારણે ખાલી પડતી બેઠકો ભરવા માંગ

ગાંધીનગર17 દિવસ પહેલા

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે LRD ઉમેદવારોએ પોતાની પડતર માંગણીઓને લઇને ધરણાં પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા વખતથી LRD-2022ની ભરતીમાં કોમન ઉમેદવારોના કારણે ખાલી પડતી બેઠકો સત્વરે ભરવા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં આજે LRD ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવી ધરણાં યોજ્યા હતા. જોકે, ઉમેદવારો વધુ ધરણા યોજે તે પહેલા જ તમામની અટકાયત કરવામાં આવી હતી.

ઉમેદવારોએ શું કહ્યું?
આ અંગે ઉમેદવારોએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વર્ષ-2022 માં GPSC/GSSSB/GPSSB/પોલીસ ભરતી બોર્ડ વગેરે સંવર્ગની મોટાપાયે ભરતીના કારણે કોમન ઉમેદવારોનો પ્રશ્ન ઉભો થયો છે. હાલમાં ચાલી રહેલી પોલીસ સવર્ગની લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજીત જાહેરાત ક્રમાંક:- LRB/202122/2 ની ભરતી પ્રક્રીયા ચાલુ છે. આ પ્રક્રિયા દરમ્યાન ઘણા કોમન ઉમેદવારો કે જેમની હાલમાં અન્ય સંવર્ગની ભરતીમાં નોકરી ચાલુ હોઈ અથવા અન્ય સંવર્ગમાં પસંદગી થયેલ હોવાને કારણે મેડીકલ અને બોન્ડની પ્રક્રિયામાં ગેરહાજર રહેવાની સંભાવના છે. જેને કારણે ઉપરોક્ત ભરતીમાં ઘણી બેઠકો ખાલી રહેવાની સંભાવના છે.

વર્ષ 2022 માં ગુજરાત ખાતે સીનીયર ક્લાર્કની ભરતી થઈ હતી જે ભરતીમા અંદાજીત 1382 ઉમેદવારની જગ્યા હતી. જે ભરતીમા GSSSBના અધ્યક્ષે જે ઉમેદવારો નોકરી કરવા માંગતા ન હતા તેવા ઉમેદવારો માટે O.P.T OUT SYSTEM લવાઈ હતી. જે સિસ્ટમ કારગર ન નિવડતા તેમની ખાલી જગ્યા ભરવા માટે ઓનલાઇન પ્રક્રિયાના બદલે ઓફલાઇન પ્રક્રિયામાં રૂબરૂ બોલાવી નોકરી ન સ્વિકારવા માંગતા ઉમેદવારો પાસે નિવેદન લઈ હક જતો કરવાની શરતે અન્ય ઉમેદવારો મેરીટ લીસ્ટથી સામાન્ય તફાવતના કારણે પાછળ રહી ગઈ હતા તેવા 300 થી વધુ ઉમેદવારોને ખાલી પડેલા જગ્યામા ભરતી કરેલી છે.
પોલીસે ધરણા કરનાર ઉમેદવારોની અટકાયત કરી
વધુમાં ઉમેદવારો આક્ષેપ કરીને માંગ કરી હતી કે, સીનીયર ક્લાર્કની ભરતીમાં GSSSBના અધ્યક્ષે ઉપરોક્ત પ્રક્રીયા મારફતે સામાન્ય તફાવતના કારણે ભરતીથી વંચીત રહી ગયેલા ઉમેદવારોને મોકો આપી ખાલી જગ્યા ભરેલી છે. હાલમાં ઉપરોક્ત પોલીસ ભરતી બોર્ડની LRB/202122/2ની ભરતી પ્રક્રીયામા મેડીકલ અને બોન્ડની પ્રક્રીયામા ગેરહાજર રહેલા ઉમેદવારોના સ્થાને બીજા લાયક ઉમેદવારોને મોકો આપી જગ્યા પુરી ભરવામાં આવે તેવી માંગ છે. જો કે, ઉમેદવારો વધુ ધરણા પ્રદર્શન યોજે એ પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...