વિકાસની દોટમાં મેદાનોનો ભોગ લેવાયો!:ગાંધીનગરમાં એકમાત્ર જાહેર મેદાન પર ક્રિકેટ રમતા અને ડ્રાઇવિંગ શીખતા લોકો વચ્ચે LRD ઉમેદવારો પ્રેક્ટિસ કરવા મજબૂર

ગાંધીનગર6 મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • ગાંધીનગરના જાણીતા હેલિપેડ ગ્રાઉન્ડ અને લાયન્સ ગરબા ગ્રાઉન્ડ માત્ર નામનાં બની ગયા
  • સારા મેદાનના અભાવે ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના ગામમાં જ ટ્રેનિંગ લઈ રહ્યા છે

ગાંધીનગરમાં આંધળા વિકાસની દોટ મૂકી સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઊભાં કરવાની ગળાફાઈ હરીફાઈ વચ્ચે વિશાળ મેદાનોનો પણ ભોગ લેવાયો છે, જેને કારણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા સહિત LRD પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારીઓ માટેના મેદાન વિના મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સ્થિતિ એવી બની છે કે જાહેર મેદાનો સમાપ્ત થઈ જતાં હવે માત્ર એક જ મેદાન પર એક બાજુ ક્રિકેટ અને બીજી બાજુ લોકો ડ્રાઈવિંગ શીખતા હોય છે, આ વચ્ચે LRDના ઉમેદવારોને દોડની તૈયારી કરવી પડી રહી છે.

શહેરનો વિસ્તાર થતા મેદાનો થયા ગાયબ
રાજ્યના પાટનગર ગાંધીનગરથી સમગ્ર રાજ્યનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓના નગર તરીકે આગવી ઓળખ ધરાવતું ગાંધીનગર એની હરિયાળીને કારણે દેશભરમાં જાણીતું હતું, પરંતુ સમય જતાં વસતિ વધવાની સાથે ગાંધીનગરનો વિસ્તાર પણ વધારવાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને પરિણામ સ્વરૂપ વર્ષો પહેલાં 1થી 30 સેકટરમાં વિસ્તરેલું ગાંધીનગર વિકાસની હરણફાળ ભરવા લાગ્યું છે. એમાંય કોર્પોરેશન અસ્તિત્વમાં આવતાં જ શહેરનો પણ વિસ્તાર વધીને 326 ચોરસ કિમી થઈ ગયો છે.

રામકથા મેદાનમાં ક્રિકેટ રમતા લોકો વચ્ચે પ્રેક્ટિસ કરતા ઉમેદવારો
રામકથા મેદાનમાં ક્રિકેટ રમતા લોકો વચ્ચે પ્રેક્ટિસ કરતા ઉમેદવારો

સેક્ટર-17નું હેલિપેડ ગ્રાઉન્ડ વિસરાયું
​​​
એક સમયે ગાંધીનગરના સેકટર-17માં હેલિપેડ ગ્રાઉન્ડ એની આગવી ઓળખ સાથે મહત્ત્વનું આકર્ષણ ધરાવતું હતું. નાના-મોટા મેળાવડા આ ગ્રાઉન્ડમાં જ થતા હતા, એટલે સુધી કે વીઆઈપી નેતાઓનાં હેલિકોપ્ટર પણ આ ગ્રાઉન્ડમાં જ લેન્ડ થતાં હતાં, જેને જોવા માટે ગાંધીનગરના લોકો ખાસ આ ગ્રાઉન્ડની મુલાકાત લેતા હતા. ત્યારે શહેરના યુવાધન માટે પણ હેલિપેડ ગ્રાઉન્ડ મહત્ત્વનું સ્થળ હતું. અહીં ક્રિકેટ, ફૂટબોલ સહિતની રમત રમવા તેમજ શારીરિક કસરત માટે યુવાધન એકઠા થતા હતા. એ સિવાય સિનિયર સિટિઝનો માટે પણ વોક કરવા માટેનું ઉત્તમ સ્થળ હતું. જોકે વિકાસની આંધીમાં સરકારી કાર્યક્રમો શરૂ થવા લાગતાં હેલિપેડ ગ્રાઉન્ડનો ભોગ લઈ લેવાયો છે.

લાયન્સ ગરબા ગ્રાઉન્ડ પણ નેસ્તનાબૂદ કરાયું
ત્યારે હવે ગાંધીનગરમાં યુવાધન માટે આનંદ પ્રમોદ તેમજ રમતો રમવા માટેનું કોઈ વિશાળ ગ્રાઉન્ડ બચ્યું નથી. એકમાત્ર સેકટર-11માં આવેલા લાયન્સ ગરબા ગ્રાઉન્ડ હતું, એને પણ વિકાસની હરીફાઈમાં નેસ્તનાબૂદ કરી દેવાયું છે. અહીંનું રામકથા મેદાન છે, જ્યાં પણ આગામી સમયમાં સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ ઊભું કરી દેવાય તો નવાઈ નહીં. હાલમાં LRD પરીક્ષા માટેની શારીરિક કસોટીની તૈયારી માટે શહેરનું યુવાધન વલખાં મારી રહ્યું છે. હાલમાં માત્ર રામકથા મેદાન બચ્યું હોવાથી LRD ઉમેદવારો આ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ મેળવવા મજબૂર બન્યા છે. અહીં એક તરફ ઘણા યુવકો ક્રિકેટ રમતા હોય છે તો પોલીસ તેમજ નાગરિકો ડ્રાઇવિંગની ટ્રેનિંગ મેળવી રહ્યા છે. આ બધાની વચ્ચે LRD ઉમેદવારો માટે એકાગ્રતાથી ટ્રેનિંગ કરવી મુશ્કેલ બની ગઈ છે.

સારા મેદાનના અભાવે ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના ગામમાં જ ટ્રેનિંગ લઈ રહ્યા છે
સારા મેદાનના અભાવે ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના ગામમાં જ ટ્રેનિંગ લઈ રહ્યા છે

નોકરી છોડીને તૈયારી શરૂ કરનાર ઉમેદવારો મેદાનના અભાવે પરેશાન
એવામાં ઉમેદવારો દ્વારા મેદાનની અમુક હદ સુધીના વિસ્તારમાં તારની ફેન્સિંગ કરીને ટ્રેનિંગ લેવા તેમને મજબૂર થવું પડ્યું છે. આ અંગે LRD ઉમેદવાર ઝુનેદ શેખ દ્વારા જણાવાયું હતું કે LRDની તૈયારી માટે નોકરી મૂકી દીધી છે. લેખિત પરીક્ષા માટેની તો તૈયારીઓ કરું છું, પણ શારીરિક પરીક્ષાની ટ્રેનિંગ માટે ગાંધીનગરમાં જાહેર મેદાન જ રહ્યું નથી. એને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારો પોતપોતાની રીતે ગામમાં જ ટ્રેનિંગ લઈ રહ્યા છે.,તો કેટલાંક સરકારી કોલેજોનાં ગ્રાઉન્ડનો ઉપયોગ કરી રહ્યા છે.

તેઓ કહે છે, વાસ્તવમાં વિકાસમાં ને વિકાસમાં અમારા જેવા યુવાનો માટે કોઈ મેદાનની જગ્યા રિઝર્વ રાખવામાં જ આવી નથી. સરકારે વિકાસની સાથે યુવાનો માટે પણ મેદાન માટેની જગ્યા ફિક્સ કરવી જોઈએ. ત્યારે અન્ય એક ઉમેદવાર ઉમંગ અમીને કહ્યું હતું કે વર્ષો પહેલાં મારા પિતા હેલિપેડ ગ્રાઉન્ડ પર રમવા માટે લઈ જતા હતા. હવે એ ગ્રાઉન્ડ સરકારી કાર્યક્રમો માટેની ફિક્સ જગ્યા બની ગઈ છે. એ જ રીતે સરકારે યુવાનો માટે પણ મેદાનની જગ્યા ફિક્સ કરવી જોઈતી હતી. હાલમાં ગાંધીનગરમાં કોઈ વિશાળ મેદાન લાયક જગ્યા જ બાકી રાખવામાં આવી નથી.