પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક પરીક્ષામાં નપાસ થવાની બીકે એક યુવાને ભરતી બોર્ડના અધ્યક્ષને આત્મહત્યાનું ટ્વીવટ કરનારા આ યુવકને સાયબર સેલની મદદથી શોધીને જીવન આસ્થાની ટીમે તેનો જીવ બચાવી લીધો હતો. ભરતી બોર્ડે આ અંગે જીવ આસ્થાને જાણ કરી હતી જેમાં કાઉન્સેલરે ફરીથી પરીક્ષા આપવાની હિંમત બંધાવતાં યુવકે આપઘાત કરવાનું માંડી વાળ્યું હતુ.
લોકરક્ષક દળની પરીક્ષા લેવાયા બાદ એક યુવકને માત્ર 42 માર્ક્સ આવતાં ઉત્તર ગુજરાતના એક શહેરના 21 વર્ષીય ઉમેદવાર દ્વારા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વિટર એકાઉન્ટ ઉપર રિપ્લાય કર્યો હતો, જેમા યુવકે જણાવ્યું હતું કે મારે ઓછા માકર્સ આવ્યા છે, જેને લઇને હું આવતીકાલે આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લઇશ. અધ્યક્ષના ટ્વિટર પર આવેલા ટ્વીટથી ભરતી બોર્ડની ટીમ દ્વારા જીવન આસ્થાની ટીમને સંપર્ક કરાયો હતો.
ટ્વિવર પર આવેલા ટ્વીટની માહિતી મેળવી ટ્વીટ કરનારા યુવકની વિગત સાયબર સેલને આપવામાં આવી હતી. જેને તેનું પૂરું સરનામું શોધ્યા બાદ જીવનઆસ્થાની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. એમાં ટીમ દ્વારા યુવકને કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષા તારા જીવનની આખરી પરીક્ષા નથી, હજુ તારી પાસે 15 વર્ષ પરીક્ષા આપવા માટેનાં બાકી છે. એક પછી એક સરકારી નોકરી માટે પરીક્ષાઓ આવી રહી છે. એ પરીક્ષામાં ઉમેદવારી કર્યા પછી તું સફળ થઇ શકે છે.
એ ઉપરાંત અનેક આઇપીએસ એવા છે, જેમને પહેલી પરીક્ષામા સફળતા મળી નથી. તેમ છતા પરીક્ષામા સફળ થયા બાદ આજે તે આઇપીએસ તરીકે નોકરી કરે છે. કાઉન્સેલિંગ કરાયા બાદ યુવકે ટીમની વાત માની હતી અને આગામી સમયમા આવનાર પરીક્ષાની તૈયારી કરવાનુ વચન આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે યુવક માત્ર પોલીસ વિભાગમા જ નોકરી કરવાની ઇચ્છા રાખી રહ્યો છે. ત્યારે જીવનની પરીક્ષામા પાસ કેટલાંક લોકો નોકરી માટેની સામાન્ય પરીક્ષાઓમા ઓછા માર્ક્સ આવતા નાસીપાસ થઇને જીવન ટૂંકાવી નાખે છે. ત્યારે આવા લોકોએ અભ્યાસમાં નિષ્ફળ રહેલા અને સેલીબ્રેટી બની ગયેલા લોકોનો પણ ઇતિહાસ વાંચવો જોઇએ તેથી આવા બનાવો ફરી ન બને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.