આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ:વિદ્યાસહાયકોની છેલ્લા 139 દિવસની લડતમાં 45 વખત લેખિત રજૂઆત છતાં લોલીપોપ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતી અંગે નિર્ણય નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ
  • 19000 ખાલી જગ્યાની​​​​​​​ સામે માત્ર 2600ની ભરતી કરીને લોલીપોપ આપતા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ

છેલ્લા 139 દિવસથી વિદ્યાસહાયકના ઉમેદવારો ભરતી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. ઉપરાંત 45 વખત લેખિત રજુઆત કરવા છતાં રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં કુલ-19000 ખાલી જગ્યાઓની સામે માત્ર 2600ની ભરતી કરીને લોલીપોપ આપતા હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. જો આગામી સમયમાં ભરતી વધારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉમેદવારોએ ઉચ્ચારી છે.

રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે યોગ્ય રીતે ભરતી કરવામાં આવતી નથી. ગત વિધાનસભા સત્રમાં શિક્ષણમંત્રીએ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 19000 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું જણાવ્યું હતું. આથી આરટીઇના નિમયોનુસાર 60 ટકા લેખે સરકારી કેલેન્ડર મુજબ ભરતી કરવી પડે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરટીઇના નિયમોને નેવે મૂકીને ઓછી ભરતી કરી રહ્યા હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.

જોકે ગત ઉનાળા વેકેશનમાં 3300 વિદ્યાસહાયકની ભરતી કરી હતી. જ્યારે હાલમાં 2600ની જગ્યાઓ ભરવાની માંગણી કરી છે. પરંતુ તેની સામે વિદ્યાસહાયકના ટેટ પાસ ઉમેદવારોએ 5360 ભરતી કરવાની માંગણી સાથે રાજ્યના શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપ્યું છે.

શિક્ષકો વતનના લોભે અરજી કરશે
વિદ્યાસહાયકની હાલમાં 2600ની ભરતીની જાહેરાત કરી છે. જેને પરિણામે તાજેતરમાં જ ભરતી કરેલા 3300 ઉમેદવારો વતનના લાભ માટે અરજી કરશે. જેને પરિણામે આ ભરતીમાં બાકી રહેલા ઉમેદવારોને અન્યાય થશે. ઉપરાંત શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરાશે નહી તેમ ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યું છે.રાજ્ય સરકારની કેબિનેટમાં 5360 વિદ્યાસહાયકની ભરતીનો નિર્ણય લીધો છે. ત્યારે જો પ્રથમ તબક્કામાં 2600ની જગ્યાઓ ભરવામાં આવશે. તો ટેટ પાસ અનેક ઉમેદવારોની ઉંમર પૂર્ણ થતી હોવાથી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે. આથી પૂરે પૂરી 5360 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી ટેટ પાસ ઉમેદવારોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...