એસપીનો નવતર પ્રયોગ:ગાંધીનગરમાં વ્યાજખોરીનાં દૂષણને ડામવા પીડિતો સાથે લોક દરબાર યોજી તેમની વેદના સાંભળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • પીડિતો પાસેથી વ્યાજખોરોનાં નામ સરનામા વગેરે વિગતો મેળવવામાં આવી

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી ઊંચા વ્યાજ વસૂલવાની પ્રવૃતિઓએ માઝા મૂકી લેણદારોને અમાનવીય શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ગાંધીનગરના નવ નિયુકત એસપી તરુણ દુગ્ગલે આજે કલોલ શહેર પોલીસ મથકે વ્યાજખોરો સકંજામાં ફસાયેલા પીડિતો સાથે લોક દરબાર યોજીને તેઓની સાથે સીધો સંવાદ કરી તેમની વેદના સાંભળી હતી. ત્યારે લોક દરબારમાં વ્યાજખોરો પણ આવીને બેસી જતા પોલીસે એનાઉન્સમેન્ટ કરીને પીડિતો સિવાયના અન્યોને નીકળી જવા સૂચન કરી આડકતરી રીતે વ્યાજખોરોને અલ્ટીમેટમ દેવાયું હતું.

ગાંધીનગરમાં વ્યાજખોરીના દૂષણ દિવસેને વધુ દિવસે વધી જવાથી લેણદારોનાં આપઘાતના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસ પાસે આપઘાત કરનાર પીડિતની સ્યુસાઇડ નોટ સહિતના જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવતાં હોવા છતાં વ્યાજખોરો સામે ત્વરિત નક્કર કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનાં કારણે વ્યાજખોરોને પૂરતો સમય મળી રહેતાં કાયદાની છટક બારીનો ઉપયોગ કરીને આગોતરા જામીન મેળવી લેતા હોય છે.

થોડા મહિના પહેલાં પેથાપુર પોલીસ મથકમાં પણ આવો જ એક ગુનો દાખલ થયેલો હતો. જેમાં પીડિત દ્વારા અલગ અલગ છ જેટલી સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. જેમાં કોના કોના ત્રાસનાં કારણે આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ લખ્યું હતું. પરંતુ રાજકીય વગ ધરાવતા આ ઈસમો સામે સમયસર કાર્યવાહી ન થવાથી આજે પણ દરજી પરિવાર ન્યાય માટે રાહ જોઇને બેસી રહ્યું છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે આવતાની સાથે વ્યાજખોરો સામે લાલ આંખ કરીને આજરોજ કલોલ શહેર પોલીસ મથકે લોક દરબાર યોજીને પીડિતો સાથે સીધો સંવાદ કરીને રજૂઆતો સાંભળી હતી. જેમાં મોટી સંખ્યામાં પીડિતો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ લોક દરબારમાં પીડિતોની સાથે વ્યાજખોરો નવા એસપીની આગામી રણનીતિથી અવગત થવા બેસી ગયા હતા. ત્યારે પોલીસને પણ આ બાબતનો ખ્યાલ આવી જતાં માઇક ઉપર એનાઉન્સમેન્ટ કરીને પીડિતો સિવાયના અન્યોને નીકળી જવા માટે સૂચન કરીને આડકતરી રીતે વ્યાજખોરોને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું.

બીજી તરફ લોક દરબારમાં આવેલા પીડિતોની રજૂઆતો સાંભળીને પોલીસ પણ બે ઘડી અવાક થઈ ગઈ હતી. લોક દરબારમાં આવેલા સોલંકી ધીરજબાળા સતીષકુમારે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, પતિ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. જેમને છોડાવવા માટે પાંચ ટકા વ્યાજથી સામેવાળાને 50 હજારની જગ્યાએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. મોટાભાગે ગરીબ વર્ગને જ પૈસાની જરૃરત ઉભી થતી હોય છે. જેથી પોલીસે અવારનવાર આ પ્રકારના લોક દરબાર યોજીને લોકોને વ્યાજખોરોનાં ચુંગલમાંથી બહાર કાઢવા જોઈએ.

એસ.ટી વિભાગમાં ડ્રાઇવર તરીકે નિવૃત થયેલા વયોવૃદ્ધ શૈલેષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મારા છોકરાને જુગાર રમવા માટે લઈ જતા હતા. જેને જુગારમાં દેવું વધી જતાં આ વ્યાજખોરોને 10 ટકા વ્યાજે બે વખત રૂપિયા ચૂકવ્યા હતા. મેં કલોલ પોલીસમાં ફરિયાદ કરેલી તેમ છતાં અહીંના અધિકારીએ કોઈ કાર્યવાહી કરી ન હતી. મારી ફરિયાદમાં સ્પષ્ટ લખેલું કે વ્યાજખોરો પોલીસ કઈ કરશે નહીં એમ કહીને ધમકીઓ આપે છે તેમ છતાં કલોલ પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા આખરે કોર્ટ કેસ કરવો પડ્યો અને હાલમાં પણ કેસ લડી રહ્યો છું.

આ અંગે કલોલ ડીવાયએસપી મનવરે કહ્યું હતું કે, આજે લોક દરબારમાં લોકોની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. જેમની પાસેથી વ્યાજખોરોનાં નામ સરનામા તેમજ કેટલા ટકાએ વ્યાજ વસુલવા આવી રહ્યું વગેરે વિગતો મેળવવામાં આવી રહી છે. જે પછી જરૂરી આધાર પુરાવા સહિતની વિગતો એકત્ર કરીને જરૂર લાગે વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, વર્ષો પહેલાં હાલમાં અમદાવાદ ગ્રામ્યનાં એસપી રાજેન્દ્ર અસારી ગાંધીનગરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા. જેમણે આવતાની સાથે જ વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડી કડક કાર્યવાહી કરવામાં આવતાં ગાંધીનગરમાં વ્યાજનો ધંધો કરનારા રીતસરનાં લાયસન્સ મેળવવા તેમજ રિન્યુઅલ માટે લાંબી કતારોમાં સવારથી સાંજ સુધી ઊભા રહી ગયા હતા. ત્યારે વર્ષો બાદ નવ નિયુકત એસપી તરુણ દુગ્ગલ દ્વારા પણ વ્યાજખોરીનાં દૂષણને ડામી દેવા લોક દરબાર યોજતા જ વ્યાજખોરો ફફડી ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...