લઠ્ઠાકાંડમાં 57 જેટલાં મૃત્યુ બાદ સરકાર અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસ જેટલો દારૂ પકડે છે તેના કરતાં વધુ તો વેચાતો અને પીવાતો હોવાનું કહેવાય છે. ગાંધીનગરમાં જિલ્લામાં જ જાન્યુઆરીથી જૂન સુધી 6 મહિનામાં પોલીસ ચોપડે 2.70 કરોડથી વધુનો દારૂ પકડાયો છે, જેમાં 181 દિવસમાં દેશી દારૂના 1753 કેસ જ્યારે વિદેશી દારૂના 267 કેસ નોંધાયા છે. એટલે કે જિલ્લામાં પ્રોહિબિશનના રોજ સરેરાશ 11 કેસ પોલીસ ચોપડે નોંધાય છે.
6 મહિનામાં રૂ. 2.69 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
જાન્યુઆરીથી જૂન સુધીમાં પોલીસે દેશી દારૂના 1753 કેસ નોંધીને રૂ. 1.82 લાખનો 9140 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ સાથે રૂ. 1.04 લાખનો 52160 લીટર વૉશ જપ્ત કકર્યો હતો. બીજી તરફ વિદેશી દારૂના 267 કેસ નોંધીને રૂ. 2.69 કરોડની 90520 બોટલ જપ્ત કરી હતી. પોલીસે 6 મહિનામાં 2.31 કરોડનાં 125 વાહનો પણ જપ્ત કરેલાં છે.
4 દિવસમાં પોલીસની 100થી વધુ રેડ, 60 જેટલા ગુના નોંધાયા
લઠ્ઠાકાંડ બાદ જિલ્લા પોલીસે 4 દિવસમાં 100થી વધુ રેડ કરી હતી, જેમાં 60 ગુના નોંધીને 2200 લીટર દેશી દારૂ-વોશ ઝડપી પાડ્યો હતો અને 90 બુટલેગરો સામે ગુનો નોંધ્યો હતો. કલોલ ડિવિઝનમાં દેશી દારૂની 29 રેડ અંદાજિત 900 લીટર દેશી દારૂ-વોશનો જથ્થો ઝડપી 18 આરોપીની ધરપકડ કરાઈ છે. ગાંધીનગર ડિવિઝનમાં 70થી વધુ રેડ કરી 1000 લીટર વૉશ તેમજ 220 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં 70 આરોપી ઝડપાયા હતા.
ભાજપના ગ્રુપમાં પણ દારૂની ફરિયાદો ઊઠી હતી...
થોડા દિવસ પહેલાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કોટેશ્વર ગામે દારૂની ભઠ્ઠીઓથી ત્રસ્ત નાગરિકે ભાજપના ગ્રુપમાં મેસેજ નાખીને પગલાં લેવા અપીલ કરી હતી. કોટેશ્વરના નાગરિકે ‘અમે સૌ ભાજપના’ ગ્રુપમાં ફોટો સાથે મેસેજ નાખ્યા હતા, જેમાં કોટેશ્વર ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓની પ્રવૃત્તિ બંધ થાય તેવી વિનંતી કરવામાં આવી હતી. કોટેશ્વર સહિતના જિલ્લાના નદી કિનારા વિસ્તારોમાં અનેક સ્થળે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ફરિયાદો થઈ હતી. જોકે શાસક ભાજપના વોટ્સ અપ ગ્રુપમાં નાગરિકે ફરિયાદ કરી હોવા છતાં શાસકો તરફથી આ અંગે મૌન સેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.