વિજીલન્સનો દરોડો:સાંતેજનાં રકનપુરની ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાંથી દારુનું ગોડાઉન ઝડપાયું, 162 પેટી દારૃ સહિત 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ચાર્જ પીએસઆઇની તાત્કાલિક સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં બદલી થતાં પોલીસ બેડામાં આશ્ચર્ય

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલ રકનપુર જીઆઇડીસીમાં આવેલ ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ત્રાટકીને દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. વિજીલન્સની ટીમે ગોડાઉનમાંથી 162 પેટી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂ. 7.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જ્યારે ગોડાઉનમાં રેડ પડવાની ગંધ આવી જતાં આઠ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા . બીજી તરફ ઈન્ચાર્જ પીએસઆઇ મસાણીને તાત્કાલિક અસરથી છુટ્ટા કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં આશ્ચર્ય સાથે ગણગણાટ પણ શરૂ થવા લાગ્યો છે કે આજ ગોડાઉનમાંથી જિલ્લાનાં અને સ્થાનિક બુટલેગરો દારૂ લઈ જતાં હતાં.

સ્ટેટ મોનીટરીંગ સેલમાં એસપી તરીકે નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયાની એન્ટ્રી થતાં જ રાજયમાં ધડાધડ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો રોજબરોજ ઝડપાઈ રહ્યો છે. ત્યારે ડીવાયએસપી કામરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા સાંતેજનાં રકનપુર જીઆઈડીસીમાં ઘણા લાંબા સમયથી ચાલતાં ભાગ્ય લક્ષ્મી એરેસ્ટનાં વિદેશી દારૂનાં ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જો કે સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકવાની ગંધ આવી જતાં બાબુરામ ચૌધરી (રહે. સેટેલાઈટ), હેમારામ કર્મારામ (રહે રાજસ્થાન), નિતીન, સાવન (બન્ને રહે. સરદાર નગર), ઇમરાન (રહે. બાપુનગર), માઈકલ ઉર્ફે હિતેશ (રહે. સરદાર નગર) તેમજ બે મોબાઈલ ધારકો મળીને આઠ ઈસમો અગાઉથી જ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા . બાદમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ગોડાઉન તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 162 પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતાં પેટીઓમાં 1 હજાર 942 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ આ ગોડાઉનમાંથી જિલ્લા તેમજ સ્થાનિક બુટલેગરોને દારૂ સપ્લાય કરવામાં આવતો હતો.

જ્યારે ઉપરોક્ત સ્થળે સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડતા સાંતેજ પોલીસ મથકમાં સોંપો પડી જવા પામ્યો હતો અને અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. બીજી તરફ હજી તો ગઈકાલે જ સાંતેજ પોલીસ મથકનો ચાર્જ નવા પોલીસ ઈન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાએ સંભાળ્યો હતો. અને ગોડાઉનમાં દરોડો પાડીને સ્ટેટ મોનીટરીંગ ટીમે પોતાનો પરચો બતાવી દીધો હતો. જ્યારે અત્યાર સુધી સાંતેજ પોલીસ મથકના ઈન્ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવતા પીએસઆઇ મસાણીને તાત્કાલિક અસરથી છૂટા કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં બદલી કરી દેવામાં આવતાં પોલીસ બેડામાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં ક્યાં જવાબદાર અધિકારી સામે રાજય પોલીસ વડા કડક પગલાં ભરે છે.

અન્ય સમાચારો પણ છે...