દારૂડિયાએ ભારે કરી:ગાંધીનગરના બોરીજમાં ગરનાળામાં દારૂડિયો ઘૂસી ગયો, ફાયર ઓફિસરે જીવનાં જોખમે અંદરથી હેમખેમ બહાર કાઢ્યો

ગાંધીનગર19 દિવસ પહેલા

ગાંધીનગરના બોરીજ ગામ મંત્રી નિવાસની પાછળ ગટરનાં ગરનાળામાં દારૂના નશામાં ચકચૂર યુવાન અંદાજે 100 મીટર અંદર ઘૂસી ગયો હતો. જેનાં પગલે બોરીજનાં ગ્રામજનો દોડતા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કે જે ગઢવી જીવનાં જોખમે અંધારિયા ગરનાળામાં સરકતા સરકતા અંદર પ્રવેશ્યા હતા. જ્યાં દારૂના નશામાં યુવાને તેમનું ગળું પકડી લીધું હતું. ત્યારે ભારે જહેમત પછી યુવાનને દોરડાંથી બાંધીને બહાર ખેંચી લાવી સબ ફાયર ઓફિસરે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

ગાંધીનગરના બોરીજ ગામ મંત્રી નિવાસ સ્થાન પાછળના વિસ્તારમાં આવેલ ગટરનાં ગરનાળામાં દારૂના નશામાં ભાન ભૂલેલો ગામનો યુવાન અંદર ઘૂસી ગયો હતો. એકદમ સાંકડા ગરનાળા યુવાન ઘૂસી જતાં ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને બહાર નીકળવા માટે લોકોએ ઘણી બૂમો પાડી હતી. પણ અંધારિયા ગરનાળામાં યુવાન છેક અંદર સુધી ઘૂસી ગયો હોવાથી કોઈ પ્રત્યુત્તર પણ આવતો નહોતો.

આખરે લાંબો સમય વીતી જવા છતાં યુવાન ગરનાળામાંથી બહાર નહીં આવતાં ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે સબ ફાયર ઓફિસર કે જે ગઢવી પોતાની ટીમ સાથે બોરીજ પહોંચી ગયા હતા. શરૂઆતમાં ટોર્ચ લાઈટ ગરનાળામાં મારીને તેને શોધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ગરનાળાની બંને તરફની 50 - 50 મીટરની દિશામાં વચોવચ યુવાન દારૂના નશામાં લાંબો થઈને પડ્યો હોવાનો સબ ફાયર ઓફિસર ગઢવીએ અંદાજો લગાવ્યો હતો.

જો કે અંધારિયા ગરનાળામાં ઝેરી જીવજંતુ જાનવર હોવાની સંભાવના રહેલી હતી. એમાંય બંધ ગટરનાં ગરનાળામાં શ્વાસ લેવાની પણ તકલીફ પડે એમ હતી. ત્યારે સબ ફાયર ઓફિસર કે જે ગઢવી જીવ સટોસટની બાઝી લગાવી દોરડું શરીરે બાંધી સરકતા સરકતા અંધારિયા ગરનાળામાં ઘૂસ્યા હતા. જ્યારે સ્ટાફના માણસોએ બહારથી દોરડું પકડી રાખી દરેક ગતિવિધિ પર બાઝ નજર રાખવામાં આવી રહી હતી.

આખરે 100 મીટર અંદર ઘૂસ્યા પછી યુવાન લાંબો થઈને સૂતેલી અવસ્થામાં જોવા મળ્યો હતો. જે દારૂના નશામાં એટલો ચૂર હતો કે સબ ફાયર ઓફિસર ગઢવીનું ગળું પકડીને દબાવવા લાગ્યો હતો. જો કે સમય સૂચકતા વાપરીને સબ ફાયર ઓફિસર ગઢવી યુવાનને દોરડું બાંધી દીધું હતું. અને તેમણે કમાન્ડ આપતાં જ ગરનાળા બહાર થી સ્ટાફના માણસો દોરડું ખેંચવા લાગ્યા હતા.

આમ ઘણીવાર સુધી દોરડું ખેંચ્યા પછી ફાયર ઓફિસર ગઢવી પોતાની સાથે યુવાનને બહાર ખેંચીને લઈ આવ્યા હતા. જેમની જીવ સટોસટની કામગીરી જોઈને ગ્રામજનો પણ મોંમાં આંગળાં નાખી ગયા હતા. બાદમાં યુવાનને 108 બોલાવીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે, ગામનો નવીન ઠાકોર નામનો યુવાન દારૂના નશામાં અંધારિયા ગરનાળામાં ઘૂસી ગયો હતો. જેને ભારે જહેમત પછી બહાર કાઢીને સારવાર અર્થે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...