ત્રીજી લહેરમાં બાળકોને ખતરો:કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસરની શક્યતા, શાળાઓ એક સત્ર સુધી ચાલુ નહીં થઈ શકે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વર્તમાન કોરોનાની લહેરમાં લોકોને પડેલી મુશ્કેલી અને મૃત્યુના આંકડાને જોતાં હવે ત્રીજી લહેર બાળકો માટે ખતરારૂપ હોઇ શકે તેવી ચેતવણીને ધ્યાને લઇને ગુજરાત સરકારે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાત સરકારે આ માટે હોસ્પિટલોમાં પથારીઓ, રાજ્યમાં પીડિયાટ્રીક ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઉપરાંત ઓક્સિજન, દવાઓ અને અન્ય જરૂરી તમામ પાસાંઓની વ્યવસ્થા કરવાનું શરુ કરી દીધું છે.

સરકારે કમિટીની રચના કરી
આ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ નિષ્ણાંતો સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે પરામર્શ કર્યો હતો. રાજ્ય સરકારે રાજકોટની પીડીયુ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચના વડપણ હેઠળ એક રાજ્ય સ્તરીય કમીટી બનાવી છે, જેમાં સરકારી હોસ્પિટલોના બાળરોગ નિષ્ણાતો તથા ખાનગી પીડિયાટ્રિશ્યનોનો સમાવેશ કરાયો છે. આ કમિટી ઉપરાંત ગુજરાત સરકાર ઇંડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ સાથે પણ સંકલનમાં રહેશે અને કેન્દ્ર સ્તરે અમલમાં આવનારાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ અંગે પણ ચર્ચા કરશે.

ફાર્મા કંપનીઓને દવાઓનું ઉત્પાદન શરૂ કરવા સૂચના
બાળકો માટેની ખાસ દવાઓ તૈયાર રાખવા ફાર્મા કંપનીઓને સંપર્ક કરી દેવાયો જે રીતે વર્તમાન લહેરમાં રેમડેસિવીર ઉપરાંત અન્ય દવાઓની ખેંચ વર્તાઇ હતી તેવું ન બને તે માટે અત્યારથી જ કોરોના માટે બાળકોને આપી શકાય તેવી દવાઓ અને અન્ય જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન શરુ કરી દેવા માટે રાજ્ય સરકારે વિવિધ ફાર્મા કંપનીઓને સંપર્ક કરીને પૂરતો જથ્થો તૈયાર રાખવા અને ગુજરાત સરકારને જરૂર પડ્યે તે ત્વરિત મળી જાય તેવી પ્રણાલી ગોઠવવામાં આવી છે.

ઓનલાઇન ડેશબોર્ડ સિસ્ટમ બનશે
ગુજરાત સરકારે બીજી લહેરની ગંભીરતા જોઇને રાજ્યમાં ત્રીજી લહેર માટે કોરોનાના દર્દીઓ માટે દોઢ લાખ જેટલી પથારી ઉપલબ્ધ બને તેવું આયોજન કર્યું છે. બાળકો માટે પૂરતાં પ્રમાણમાં પથારીઓ મળી રહે તે ઉપરાંત નિષ્ણાંત તબીબોની કે અન્ય સ્ટાફની ખેંચ ન વર્તાય તે માટે ભરતી કરવામાં આવશે. દર્દીઓને દાખલ કરવા માટે આમતેમ ભટકવું ન પડે તે માટે રાજ્યકક્ષાએ કેન્દ્રીકૃત ટ્રેકિંગ અને ડેશબોર્ડ સિસ્ટમ બનશે જેથી કઇ હોસ્પિટલમાં કઇ અને કેટલી પથારીઓ ખાલી છે તે જાણકારી દરેક વ્યક્તિને રીયલ ટાઇમ મળી શકે.

ઓક્સિજન પ્લાન્ટ નવાં બનશે, રીઝર્વમાં ઓક્સિજન રખાશે
ગુજરાત સરકાર આ દરમિયાન મેડિકલ હેતુ માટે રાજ્યમાં વિવિધ સ્થળે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે અને તેના વહન માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરશે જેથી કોઇપણ દવાખાને ઓક્સિજનનો જથ્થો ઓછા સમયમાં પહોંચી જાય. આ ઉપરાંત સરકાર 700 મેટ્રિક ટન સુધીનો ઓક્સિજન રીઝર્વ પણ રાખશે જેથી બાળકો ઉપરાંત અન્ય દર્દીઓને જરૂર પડે ઓક્સિજનનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે.

પહેલું સત્ર પણ ઓનલાઇન જ યોજાય તેવી શક્યતા
સરકારે દર્દીઓને સારવાર મળી રહે તે માટે તો આયોજન કર્યું જ છે, સાથે સંક્રમણ ફેલાતું અટકે તે માટે પણ ભાર મૂક્યો છે. બાળકોને સંબંધિત મોટાભાગની જાહેર પ્રવૃત્તિ પર સરકાર પ્રતિબંધ હજુ યથાવત્ રાખવા વિચારી રહી છે અને આ માટે આગામી શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પણ ઓનલાઇન જ યોજવા આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...