રીક્ષા ચાલકોની મિટીંગ:અમદાવાદની જેમ ગાંધીનગરના રિક્ષાચાલકો ભાડા વધારો કરશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલો વધારો કરવો તે અંગેનો નિર્ણય રિક્ષા ચાલકોના વિવિધ એસો. મીટિંગ કરીને કરશે

છેલ્લા દસેક દિવસથી સીએનજીના ભાવમાં રૂપિયા 10નો વધારો થતાં રીક્ષા ચાલકોની હાલત કફોડી બની રહી છે. વધતી જતી મોંઘવારીને પગલે ઘર ચલાવવું આર્થિક રીતે કપરૂ બની રહ્યું છે. ત્યારે દિવાળી પછી નવા વર્ષમાં જિલ્લાના રીક્ષા ચાલકો અમદાવાદની જેમ ભાડામાં વધારો કરશે.

તેમાંય છેલ્લા એકાદ મહિનાથી દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા હાલમાં પ્રતિ લીટર રૂપિયા 100ને પાર થઇ ગયો છે. જોકે પેટ્રોલ ડિઝલની સાથે સાથે સીએનજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા દસેક દિવસમાં સીએનજીના પ્રતિ કિલોના ભાવમાં રૂપિયા 10થી વધારે થયો છે. આથી હાલમાં પ્રતિ કિલો સીએનજી ગેસ રૂપિયા 67ને પાર થઇ ગયો છે. આથી રીક્ષા ચાલકોની હાલત કફોડી બની રહી છે.

રીક્ષાની લોનનો હપ્તો કાઢવાની સાથે સાથે મોંઘવારીમાં ઘર ચલાવવું સાત કોઠા વિંધવા સમાન બની રહ્યું હોવાનું રીક્ષા ચાલકોએ જણાવ્યું છે. જોકે સીએનજીના ભાવમાં વધારો થવા છતાં રીક્ષાના ભાડામાં કોઇ જ વધારો જિલ્લાના રીક્ષા ચાલકોએ કર્યો નથી.જ્યારે અમદાવાદના રીક્ષા ચાલકોએ ભાડામાં રૂપિયા 3નો વધારો કરી દીધો છે.

આથી આગામી સમયમાં જિલ્લાના રીક્ષા ચાલકો પણ ભાડામાં વધારો કરશે. જોકે રીક્ષાના ભાડામાં પ્રતિ કિલોમીટરે કેટલા રૂપિયાનો વધારો કરવો તે અંગેનો નિર્ણય રીક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનો મિટીંગ કરીને કરશે. જોકે રીક્ષા ચાલકોની મિટીંગ પણ દિવાળી પછી મળશે તેમ રીક્ષાચાલકોએ જણાવ્યું છે.તેથી હવે કેટલો વધારો થશે તે અંગે રાહ જોવી જ રહી.

અન્ય સમાચારો પણ છે...