ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત:ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષ એકમત; કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ હોવાથી રૂપાણીએ ચૂંટણી મોકૂફ રાખવા પંચને જણાવ્યું

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવા અંગે કોંગ્રેસે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચૂંટણી પંચને મનપા ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાના 18મી એપ્રિલે યોજાનારા મતદાન આડે 7 દિવસ રહ્યા છે ત્યારે એકાદ સપ્તાહ પછી કોરોનાના વધતા કેસથી સ્થિતિ વધારે વણસશે તેવું મનાય રહ્યું છે. આવી સ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય તો રાજકીય પક્ષના કાર્યકરો, કર્મચારીઓ, મતદારો સહિતના લોકોમાં સંક્રમણ મોટાપાયે વકરે તેવી શકયતા છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવાની દરખાસ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાતી હતી. બાયડની ચૂંટણી મોકૂફ રાખવાની કોઇ રજૂઆત નથી.

રાજયમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, આવા સંજોગોમાં રાજય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય રહી છે. અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સીટી છે, ઉપરાંત અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ એટલું વધી રહ્યું છે કે પરિસ્થિતિ વધારે વિકટ થઇ રહી છે. ગાંધીનગરમાં પણ મંત્રીઓ,સરકારી કર્મચારીઓ સહિતના નાગરિકો એક પછી એક કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આથી વધતા સંક્રમણને રોકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવી જોઇએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર

ભાજપે મનપા ચૂંટણી મોકૂફ રાખવા કરી રજૂઆત
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તે માટે પાટનગર ગાંધીનગરમાં મનપાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.

મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો, સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે, એટલું જ નહીં ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજ રત રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહા નગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી.

અમિત ચાવડાએ લખેલો પત્ર
અમિત ચાવડાએ લખેલો પત્ર

કોંગ્રેસ ચીફ જસ્ટીસને પત્ર લખ્યો
અમિત ચાવડાએ લખેલા પત્રમાં કહ્યું છે, અમે રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ પણ પ્રતિનિધિ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવાની માગણી કરી હતી. અન્ય પાર્ટીઓએ પણ ઈલેક્શન કમિશન સામે આ પ્રકારની માગણી કરેલી છે. જોકે અજાણ્યા કારણોસર અથવા તેમના રાજકીય માલિકો દ્વારા પ્રેશર અથવા કોઈ રાજકીય એજન્ડાના કારણે રાજ્યનું ચૂંટણી પંચ આ બાબત ધ્યાનમાં નથી લઈ રહ્યું અને તેઓ કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યા.

પત્રમાં આગળ કહેવાયું છે કે, આ બાબત અમે પહેલાથી જ રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવી છે, અને ચૂંટણીના પ્રચાર દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓને લોકો પાસેથી અનુભવાઈ રહ્યું છે કે, ચૂંટણીના કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે. વધુમાં ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટી સંખ્યામાં પોલીસ, હોમ ગાર્ડ્સના જવાનો તહેનાત કરાયા છે, તેમને પણ કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય રહેલો છે. આવી સ્થિતિનું હું તમને વિનંતી કરું છું કે જાહેર હિતમાં આ બાબતમાં હસ્તક્ષેપ કરી રાજ્ય સરકારને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનું કહેવામાં આવે.

આમ આદમી પાર્ટીની પણ ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ પણ રાજય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે કે, કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ રાખવામાં આવે. ચૂંટણી માટે લોકોના જીવ સાથે ચેડાં કરી શકાય નહીં. પહેલા પાટનગરમાં રસીકરણ કરો ત્યાર બાદ કોરોનાના કાબુમાં આવે ત્યારે જ ચૂંટણી યોજવી જોઇએ.