મોંઘવારી સામે ગુજ્જુનો જુગાડ:પેટ્રોલ કરતાં પણ મોંઘાં થતાં રસોડામાં લીંબુનું સ્થાન લીંબુનાં ફૂલે લીધું: કિલોના ભાવમાં 5 ફળ આવી જાય!

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: હિતેષ જયસ્વાલ
  • કૉપી લિંક
બજારમાં મળતા ફ્રુટના ભાવ લીંબુ કરતા ઓછા - Divya Bhaskar
બજારમાં મળતા ફ્રુટના ભાવ લીંબુ કરતા ઓછા
  • કિલોના રૂ. 330ના ભાવે વેચાતાં ઉનાળામાં ઉપયોગી લીંબુ ખરીદવાનું લોકોએ ટાળ્યું : હોટેલ-રેસ્ટોરાંમાં લીંબુ પીરસવાનું બંધ થયું
  • હોલસેલ બજારમાં 20 કિલોદીઠ 3500થી 4000 ભાવે વેચાતાં લીંબુ
  • ચાલુ વર્ષે ઉત્પાદન સામે બજારમાં લીંબુની માંગ વધારે રહેતાં ભાવ ઊંચકાયા : આગામી થોડાે સમય પણ ભાવ ઘટે તેમ નથી

ગરમીમાં શક્તિ વધારતા લીંબુના પેટ્રોલ કરતાંય મોંઘા ભાવે લોકોને તમ્મર લાવી દીધા છે. રૂ. 330ના કિલોના ભાવે લીંબુ વેચાઈ રહ્યાં હોવાથી રસોડામાં લીંબુનું સ્થાન લીંબુનાં ફૂલ અને આમલીએ લઈ લીધું છે. હોટેલ-રેસ્ટોરાંમાં પણ લીંબુ પીરસવાનું બંધ થઈ ગયું છે. લીંબુના ભાવ જેટલા વધ્યા છે તેની સામે ફળના ભાવ ઘણા ઓછા છે. એટલે કે 1 કિલો લીંબુના ભાવમાં 5 જેટલાં ફળ 500-500 ગ્રામ ખરીદી શકાય.

કાળઝાળ ગરમીમાં લૂ લાગવા સહિતની બાબતોથી રક્ષણ એક માત્ર લીંબુ પાણી આપે છે પરંતુ હાલમાં બજારમાં લીંબુના ભાવ સાંભળીને લોકોને આર્થિક લૂ લાગી જાય તેવી સ્થિતિ બની રહી છે. ત્યારે બજારમાં લીંબુના ભાવ હાલમાં વેચાતા તમામ પ્રકારના ફળના ભાવ કરતાં વધારે છે. આથી લીંબુ ખાવા કરતાં ફળ ખાવા લોકોને વધારે અનુકૂળ બની રહેશે. જોકે લીંબુના આટલા ઊંચા ભાવ અંગે વેપારી મહેશભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઉત્પાદનની સામે બજારમાં લીંબુની માંગ વધારે રહેતાં ભાવ ઊંચકાયા છે.

જોકે લીંબુના ભાવ આગામી સમયે પણ ઘટે તેમ નથી. બજારમાં બે પ્રકારના લીંબુ વેચાઈ રહ્યાં છે, જેમાં નાનાં લીંબુનો ભાવ પ્રતિ કિલો રૂ. 200થી 250 અને મોટાં લીંબુ પ્રતિ કિલો રૂ. 300થી 320ના ભાવે વેચાઈ રહ્યાં છે. હોલસેલ માર્કેટમાં પણ લીંબુનો ભાવ ઊંચો છે. ખેડૂતો પાસેથી વેપારીઓ પ્રતિ 20 કિલો લીંબુ રૂ. 3500થી 4000ના ભાવે ખરીદી કરે છે જ્યારે નાનાં લીંબુ પ્રતિ 20 કિલો રૂ. 2500થી 2800નો ભાવ હોવાનું ખેડૂત રીકિનભાઈ પટેલે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કાળઝાળ ગરમી પડતી હોવાથી લોકો લીંબુનો શરબત બનાવીને પીતા હોય છે પરંતુ લીંબુ વધતા ભાવે લોકો દાંત ખાટા કરી દીધા છે. પેટ્રોલ અને રાંધણ ગેસના ભાવ વધી જતાં મોંઘવારીથી ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે.

પ્રતિકિલો ફળના ભાવ
ફળભાવ
નારંગી120
સફરજન240
દ્રાક્ષ80થી 120
ટેટી25થી 30
તરબુચ25થી 30
મોસંબી120
કેરી120થી 200
ચીકુ30થી 50
કેળાડઝનના 50
દાડમ120

લીંબુનાં ફૂલવાળી સિકંજી ઠંડક આપે છે!
ઉનાળામાં લીંબુમાંથી બનતી સિકંજીનું વેચાણ વધતું હોય છે ત્યારે લીંબુ મોંઘાં થતાં ફેરિયાઓ સિકંજીમાં લીંબુને બદલે લીંબુનાં ફૂલ નાખીને વેપાર કરી રહ્યા છે. 10 લીટર સિકંજી બનાવવામાં 1 કિલો લીંબુ વપરાય છે. આથી એક ગ્લાસ 10 રૂપિયામાં જ વેચાય છે જ્યારે લીંબુ પાણી અને શરબત 20થી 30 રૂપિયે વેચાઈ રહ્યું છે.

પાનખરના કારણે લીંબુ આવે નહીં
એપ્રિલમાં પાનખર ઋતુથી લીંબુડીના પાંદડા ખરી પડતા હોય છે. આથી એક હજાર લીંબુડીમાંથી માંડ 100 લીબુંડી ઉપર લીંબુ હોય છે. તે પણ નાના અને પાનખરથી ખરી પડતા હોય છે. બારમાસી લીંબુડીને પાણી, ખાતર, દવા સહિત આપવા સાથે કાળજી રાખવી જરૂરી છે.

ફેબ્રુ.માં માવઠાથી લીંબુડીનાં ફૂલ ખરી પડ્યાં : નવાં આવતા વાર લાગે
ઉનાળામાં બજારમાં લીંબુ વેચાય છે તે બારમાસી લીંબુડીના લીંબુ આવતાં હોય છે પરંતુ ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થયેલા માવઠાના કારણે લીંબુડી ઉપર આવેલાં ફૂલ ખરી પડ્યાં હતાં. આથી ફૂલ ખરી પડવાથી લીંબુ આવે નહીં. જોકે હવે વરસાદ થાય પછી જ લીંબુડી ઉપર નવાં ફૂલ આવે ત્યારે જ બજારમાં નવાં લીંબુ આવે તેમ ખેતી કરતા રીકિનભાઈ પટેલે જણાવ્યું છે. > રીકિનભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...