લૂંટ પર લગામ:આરોગ્ય સેવાના નામે ધીકતો ધંધો કરવાની ખાનગી હોસ્પિટલો-ડોક્ટરોની વૃત્તિ પર અંકુશ આવશે, દરેક ટ્રીટમેન્ટના ચાર્જના બોર્ડ મૂકવા પડશે

ગાંધીનગર7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યની તમામ પ્રવર્તમાન તથા નવી શરૂ થનારી હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરીનું રજિસ્ટ્રેશન ફરજીયાત
 • વિધાનસભામાં વિધેયક પસાર, ઊંટવૈદ્ય જેવા રજિસ્ટ્રેશન વિનાના ડોક્ટરોની સામે પણ કડક કાર્યવાહી કરાશે
 • કેન્દ્ર સરકારે 2010માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટસની રૂપરેખા તૈયાર કરેલ છે, દર્દીઓની બેફામ લૂંટનો અંત આવશે

ગુજરાતમાં આરોગ્ય સેવાને ધંધો બનાવી દરિદ્ર નારાયણ એવા દર્દીઓને લૂંટવાની રાજ્યની ખાનગી હોસ્પિટલોનું હવે આવી બનશે. આવી હોસ્પિટલો દ્વારા વસૂલાતા બેફામ ચાર્જ ઉપરાંત ડીગ્રી વિનાના ડૉક્ટરોના ઉંટવૈદ્યા પર અંકુશ લાવવા વિધાનસભામાં વિધેયક પસાર કરાયું છે. આ વિધેયકનો અમલ ટુંક સમયમાં શરુ થશે. આરોગ્યને લગતા તમામ એકમો, પેથોલોજીકલ લેબોરેટરી અને હોસ્પિટલો તેમજ તેના નિર્ધારિત ચાર્જિસના બોર્ડ મારવા પડશે. આનાથી જે-તે હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં ટ્રીટમેન્ટ માટે વસૂલાતા ચાર્જિસની માહિતી સરકાર તથા સામાન્ય લોકોને મળી રહેશે. તે ઉપરાંત રાજ્યની તમામ પ્રવર્તમાન તથા નવી શરુ થનારી હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત થશે.

વિધેયક પસાર-ખાનગી હોસ્પિટલોના ચાર્જ પર લગામ
રાજ્યમાં ઠેર ઠેર ખાનગી હોસ્પિટલો અને બોગસ ડોક્ટરોના નામની બૂમો પડી રહી છે. ત્યારે દર્દીઓને બેફામ લૂંટતી હોસ્પિટલો, ડૉક્ટરો અને દર્દીઓ પાસેથી વધુ રકમ વસુલવા અંગેની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરી દીધું છે. આગામી દિવસોમાં તેનો અમલ શરુ થશે. રાજ્યને લાગુ પડતો ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન અધિનિયમ-1949 રદ કરી આરોગ્ય સેવાના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ગુજરાત ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ-2021 પુન: અધિનિયમિત કરવાનું વિધેયક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં રજૂ કર્યું હતું.

ધારા-વધારા સાથે આ કાયદાને અમલમાં લાવવાનો રહે છે
ધારા-વધારા સાથે આ કાયદાને અમલમાં લાવવાનો રહે છે

હોસ્પિટલ અને તેના ચાર્જિસની માહિતી સામાન્ય લોકોને મળશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું કે, હાલમાં જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રો દ્વારા લોકોને પૂરી પડાતી આરોગ્ય સેવાઓની ગુણવત્તાની દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાને લગતી બાબતોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. રજૂ કરેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટથી રાજ્યની તમામ ચાલુ તથા નવી શરૂ થનાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજીસ્ટ્રેશન ફરજીયાત થશે. જેથી આરોગ્ય સંલગ્ન તમામ એકમો લેબોરેટરી, હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય જનતાને મળી રહેશે.

સુધારા-વધારા સાથે આ કાયદો અમલમાં આવશે
કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન વિસ્તારદીઠ ડોકટરોની સંખ્યા તથા સંબંધિત ટેક્નિકલ સ્ટાફ અને સાધનોની માહિતીથી એની સામે વધુ અસરકારક રીતે લડી શકાય તેમજ મજબૂત નીતિ નિર્માણ થાય એ જરૂરી હોઈ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 2010માં ક્લિનિક્લ એસ્ટાબ્લિશમેન્ટની રૂપરેખા તૈયાર કરેલી છે. આરોગ્ય સેવાઓ રાજ્ય સરકારનો વિષય હોઈ દરેક રાજ્યે પોતાની રીતે એમાં જરૂરી સુધારા-વધારા સાથે આ કાયદાને અમલમાં લાવવાનો રહે છે.

ડિગ્રી વિનાના ડૉક્ટરો પર નિયંત્રણ આવશે
ડિગ્રી વિનાના ડૉક્ટરો પર નિયંત્રણ આવશે
 • જાહેર આરોગ્યને લગતા જોખમો, રોગચાળા નિયંત્રણ અને તેની વધુ સારી રીતે દેખરેખ, ત્વરિત પગલાં લેવા અને મેનેજમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડશે.
 • રાજ્યની તમામ ખાનગી, જાહેર આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન, રેગ્યુલેશન અને ગુણવત્તાનાં સમાન ધોરણો નક્કી થતા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
 • દરેક ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટસમાં ઉપલબ્ધ સેવાઓ અને તેના દરો નાગરિકો જોઈ શકશે.
 • આકસ્મિક સારવાર- અકસ્માત, પ્રસુતિ વગેરેનું વધુ સારું મેનેજમેન્ટ થઇ શકશે.
 • તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થશે.
 • ખાનગી દવાખાનાઓ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા રજુ કરાતા ખોટા કલેઈમ ચકાસી શકાશે.
 • સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ તથા ન્યૂનતમ ધોરણો નક્કી કરવાના કારણે બિન તંદુરસ્ત પ્રણાલીઓ અસરકારક રીતે અટકાવી શકાશે.
 • રાજ્યમાં પ્રવર્તતા બીમારીનાં પ્રકાર અને પ્રમાણ જાણી શકાશે, જે રાજ્યની આરોગ્ય અંગેની નીતિ ઘડવામાં અગત્યનું પરિબળ રહેશે.
 • લાયકાત ધરાવતા વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા જ કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ ચલાવવાની જોગવાઈનાં કારણે ડીગ્રી વગરના ડોકટરો પર નિયંત્રણ મેળવી શકાશે.
 • લાયકાત ધરાવતા તજજ્ઞો અને સહાયક સ્ટાફ માટે રોજગારીની તકમાં વધારો થશે જેથી વિદ્યાર્થીઓની તબીબી શિક્ષણ અને તેને સંલગ્ન અભ્યાસમાં રૂચી વધશે.
 • રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને તેની માહિતી જાહેર જનતા જોઈ શકે તેવી પારદર્શિતા રહેશે. દરેક કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસમાં ઉપલબ્ધ સેવાઓ સગવડો અને તેના દરો સરળતાથી નાગરિકો જોઈ શકશે જેથી ડોક્ટર/હોસ્પિટલ/લેબોરેટરીઓ અને દર્દીઓ વચ્ચે વિશ્વાસ વધશે તેમજ બિનજરૂરી ઘર્ષણ ઘટશે.
અન્ય સમાચારો પણ છે...