તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીને પત્ર:પાકિસ્‍તાનની વિવિધ જેલોમાં બંધ ગુજરાતના 558 માછીમારોને મુક્‍ત કરાવવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના રાજમાં 15મી ઓગસ્‍ટના દિવસે ભારતીય માછીમારોને પાકિસ્‍તાની કેદમાંથી મુક્‍ત કરી દેવાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવતી

પાકિસ્‍તાનની વિવિધ જેલોમાં બંધ ગુજરાતના 558 માછીમારોને મુક્‍ત કરાવવા માટે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર વચ્‍ચે સંકલનથી સક્રિય પ્રયાસો હાથ ધરવા તેમજ તેમના પરિવારો અને બોટ માલિકો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરૂ કરવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યના 558 માછીમારો પાકિસ્‍તાનની અલગ-અલગ જેલમાં કેદ છે. પહેલાં કોન્‍સ્‍યુલેટ એક્‍સેસ પછી અરસપરસના ધોરણે સમયાંતરે ખાસ કરીને દર વર્ષે 15મી ઓગસ્‍ટના દિવસે સરકાર દ્વારા ભારતીય માછીમારોને પાકિસ્‍તાની કેદમાંથી મુક્‍ત કરી દેવાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવતી હતી, પરંતુ વર્તમાન ભાજપ સરકાર દ્વારા આવી કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી. પરિણામે ગુજરાતના માછીમારો પાકિસ્‍તાનની જેલમાં લાંબા સમયથી નર્કાગાર જેવી જિંદગી વીતાવવા મજબુર બન્‍યા છે તેમજ તેમના પરિવારજનો અહીં કોઈ આવક વગર વિકટ આર્થિક પરિસ્‍થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્‌યા છે.

વિપક્ષના નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે , વર્ષ 2008માં તત્‍કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને કેન્‍દ્રીય નેતૃત્‍વને ગુજરાતના માછીમાર આગેવાનોને સાથે રાખીને રજૂઆત કરતાં કોંગ્રેસ સરકારે પાકિસ્‍તાન દ્વારા અપહરણ કરાયેલ માછીમારોના પરિવારજનો અને બોટમાલિકો માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી હતી.

આ પેકેજમાં બોટ ગુમાવનાર માલિકો માટે નવી બોટ બાંધવા રૂ. 11.25 લાખની સબસીડી તેમજ બેંકમાંથી રૂ. 8.75 લાખ સુધીની સરળ લોન સહિતના રૂ. 20 લાખના પેકેજની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. પાકિસ્‍તાનની કેદમાં રહેલ માછીમારોના પરિવારજનોને રૂ. ૨ લાખની સહાય અને માછીમાર પાકિસ્‍તાનની કેદમાં રહે ત્‍યાં સુધી દૈનિક રૂ. 100નું ભથ્‍થું મંજૂર કરવામાં આવેલ છે.

પરંતુ કમનસીબે કેન્‍દ્રમાં ભાજપ સરકાર બન્‍યા બાદ માછીમાર પરિવારો અને બોટ માલિકો માટેના આ રાહત પેકેજને બંધ કરી દેવામાં આવ્‍યું છે. પાકિસ્‍તાનની વિવિધ જેલોમાં આજે ગુજરાતના 558 માછીમારો બંધ છે, છતાં તેમને છોડાવવા કોઈ પ્રયત્‍ન થતા નથી કે તેમના પરિવારજનોને કોઈ આર્થિક મદદ પણ કરવામાં આવતી નથી.

કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર વચ્‍ચે સંકલનથી પાકિસ્‍તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમારોને મુક્‍ત કરાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવે તેમજ તેમના પરિવારો અને બોટ માલિકો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરૂ કરવામાં આવે, જેથી માછીમાર પરિવારનો કમાઉ દીકરો જે પાકિસ્‍તાનની જેલમાં કેદ છે તેમને રાહત મળી શકે અને બોટ ગુમાવનાર બોટ માલિકો નવી બોટ ખરીદીને પોતાના તેમજ અન્‍ય માછીમારભાઈઓ માટે રોજગારીનું સર્જન કરી શકે તે માટે તાત્‍કાલિક જરૂરી કાર્યવાહી કરાવવા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...