ફાર્મ હાઉસમાં પોલીસની રેડ:જાસપુર-ધાનોટ બ્રિજ પાસેના ફાર્મ હાઉસમાંથી એલસીબીની ટીમે 88 હજારની કિંમતની 134 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોકીદાર પોલીસને જોઈને પ્લેઝર મુકીને નાસી છૂટ્યો
  • દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને વાહન મળીને અંદાજીત 1.18 લાખનો મુદામાલ જપ્ત

સાંતેજ પોલીસ મથકની હદમાં જાસપુર-ધાનોટ બ્રિજ પાસે આવેલા ફાર્મ હાઉસમાં એલસીબીની ટીમે રેડ પાડીને જમીનમાં પ્લાસ્ટિકની ટાંકીમાં સંતાડેલો 88 હજારની કિંમતનો 134 નંગ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. ત્યારે એલસીબીની ગાડીને જોઇને ચોકીદાર પ્લેઝર મૂકીને નાસી ગયો હતો. જેનાં પગલે પોલીસે દારૂ, મોબાઈલ અને વાહન મળીને અંદાજીત 1.18 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમ સાંતેજ પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે જાસપુર - ધાનોટ બ્રિજ હનુમાન મંદિરની પાછળ આવેલા ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. જે અન્વયે એલસીબીની ટીમે બાતમી વાળા ફાર્મ હાઉસ તરફ દોડી ગઈ હતી.

આ જોઈને ફાર્મ હાઉસનો ચોકીદાર પ્લેઝર મૂકીને ભાગી ગયો હતો. જેની ડેકી ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂની બે બોટલ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. બાદમાં એલસીબીએ ફાર્મ હાઉસમાં રેડ કરી હતી અને જમીનમાં દાટેલા પ્લાસ્ટિકની ત્રણ ટાંકીઓમાંથી 134 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી લેવામાં આવી હતી.

આ અંગે એલસીબીએ સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને વાહન મળીને અંદાજીત 1.18 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...